આજે સુપ્રીમ કોર્ટમાં ઈલેક્ટોરલ બોન્ડ કેસની સુનાવણી થઈ હતી. કોર્ટની બંધારણીય ખંડપીઠે, ચૂંટણી બોન્ડના વિશિષ્ટ નંબરના ખુલાસા અંગેની સુનાવણીની દરમિયાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને ઠપકો આપ્યો. સુપ્રીમકોર્ટે એસબીઆઈને કહ્યું છે કે ઈલેક્ટોરલ બોન્ડ (ચૂંટણી બોન્ડ) સંબંધિત તમામ જાણકારી શેર કરવામાં આવી. કંઇ પણ છુપાવવાની જરૂર જ નથી. કોર્ટે એસબીઆઇને ચૂંટણી બોન્ડની વિગતો અને યુનિક નંબર જાહેર કરવા માટે સોમવાર સુધીનો જ સમય આપ્યો હતો. આ દરમિયાન સુનાવણી વખતે સીજેઆઈએ એસબીઆઈને ફટકાર લગાવતાં કહ્યું કે તમે અત્યાર સુધી જાણકારી શેર કેમ નથી કરી?
સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે અમે ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે તમામ વિગતોનો ખુલાસો કરવામાં આવે. કોઈપણ વિગતો પસંદગી આધારિત ન હોવી જોઇએ. તમે કોર્ટના આદેશની રાહ કેમ જોઈ રહ્યા છો? એસબીઆઈએ અત્યાર સુધી પૂરી વિગતો જાહેર જ નથી કરી. એસબીઆઈ અમારા આદેશનું પાલન કરવા બંધાયેલ છે.
આ દરમિયાન એસબીઆઈ વતી હાજર સિનિયર વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે કૃપા કરીને અમને સમજાવવાની તક આપો કે તેમણે આદેશને કઈ રીતે સમજ્યો છે. તેના પર સીજેઆઈએ કહ્યું કે ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ વિગતો જાહેર કરો, તમારી પાસે જે કોઈ વિગત છે તે જાહેર કરો, બસ.
ચૂંટણી બોન્ડ મામલે સુનાવણી પૂરી કરતાં સુપ્રીમકોર્ટે એસબીઆઇને તમામ વિગતો જાહેર કરવા માટે 21 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. એસબીઆઈએ હવે તમામ વિગતો ચૂંટણી પંચને આગામી 3 દિવસમાં સોંપી દેવાની રહેશે. આ સાથે એસબીઆઈના ચેરમેનને સોગંદનામુ દાખલ કરવા પણ નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમકોર્ટે ચૂંટણીપંચને પણ કહ્યું હતું કે તમે પણ તમામ વિગતો મળતાં જ તેને વેબસાઈટ પર જાહેર કરો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology