bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

PM મોદી આજે બંગાળ અને બિહારની મુલાકાતે દેશની પ્રથમ અંડરવોટર રેલ ટનલનું કરશે ઉદ્ઘાટન....  

 

આજે દેશની પ્રથમ એવી રેલ ટનલનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, જેમાં નદીની અંદર મેટ્રો ટ્રેન દોડશે. પીએમ મોદી આજે એટલે કે બુધવારે ભારતની પ્રથમ અંદર વોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કરશે. આજે પીએમ મોદી કોલકાતાના હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચે અંદર વોટર મેટ્રો ટનલને જાહેર પરિવહન માટે ખુલ્લી મુકશે. જણાવી દઈએ કે, કોલકાતાની હુગલી નદીમાં બનેલી આ ટનલ હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચે 2 સ્ટેશનોને જોડશે. આ ઉપરાંત પીએમ મોદી અન્ય પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને સંદેશખાલીના ઉત્તર 24 પરગણા જિલ્લામાં જાહેર સભા પણ સંબોધશે.

હાવડા મેદાન અને એસ્પ્લેનેડ નામના બે સ્ટેશનો વચ્ચે આ ટનલની કુલ લંબાઈ 4.8 કિલોમીટર છે. જેમાં 1.2 કિલોમીટરની ટનલ હુગલી નદીમાં 30 મીટર નીચે છે. જે ‘કોઈપણ મોટી નદીના નીચે દેશની પ્રથમ પરિવહન ટનલ’ છે. આ સાથે જ હાવડા મેટ્રો સ્ટેશન દેશનું સૌથી ઊંડું સ્ટેશન હશે. આ ટનલ ઇસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોર પરિયોજનાનો એક ભાગ છે, જે સેક્ટર 5થી શરુ થાય છે અને હાલના સિયાલદહમાં પૂર્ણ થાય છે.

મેટ્રો રેલ અનુસાર, આ કોરિડોરની ઓળખ 1971માં શહેરના માસ્ટર પ્લેનમાં કરાઈ હતી. મેટ્રો રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કૌશિક મિત્રએ કહ્યું કે, ‘હાવડા અને કોલકાતા પશ્ચિમ બંગાળના 2 સદીઓ જુના ઐતિહાસિક શહેરો છે અને આ ટનલ હુગલી નદીના નીચેથી આ બંને શહેરોને જોડશે.’ જણાવી દઈએ કે, પીએમ મોદી બુધવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસાત ખાતે એક રેલી પણ સંબોધશે, જે સંદેશખાલી આવેલું છે.

પ્રદેશ ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, પીએમ મોદી મંગળવારે સાંજે કોલકાતા પહોંચ્યા હતા અને રાજભવન ગયા હતા અને ત્યાં રાત રોકાયા હતા. આજે તેઓ કોલકાતા મેટ્રોના ઇસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોરના હાવડા મેદાન-એક્સપ્લેનેડ સેક્શનનું ઉદ્ઘાટન કરશે, જેનો એક ભાગ હુગલી નદીની નીચેથી પસાર થાય છે. આ ઉપરાંત પીએમ મોદી કવિ સુભાષ-હેમંત મુખોપાધ્યાય અને તારાતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે જ તેઓ અન્ય પરિયોજનાઓનું પણ લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ બપોરે એક જાહેર સભાને સંબોધિત કરવા માટે બારાસાત જશે

પ્રદેશ ભાજપના પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે, રેલીના સ્થળે સંદેશખાલીની ‘પ્રતાડિત મહિલાઓ’ હાજર રહેશે. સંદેશખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા કથિત રીતે યૌન શોષણ કરવા અંગે પ્રદર્શનો થયા હતા. તેમણે કહ્યું, ‘હજી એ જાણવા નથી મળ્યું કે સંદેશખાલીની પ્રતાડિત મહિલાઓ પ્રધાનમંત્રીને મળશે કે નહીં.’ ગત અઠવાડિયે પ્રદેશ ભાજપા અધ્યક્ષ સુકાંત મજૂમદારે જણાવ્યું હતું કે, જો ‘પ્રતાડિત મહિલાઓ’ પ્રધાનમંત્રીને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો પાર્ટી મુલાકાત કરાવશે