લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં પોલીસે નક્સલવાદીઓ સામે એન્કાઉન્ટરની મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસને મોટી સફળતા મળતા ચાર નક્સલવાદીઓને ઠાર માર્યા છે. નક્સલવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. આ હથિયારોમાંથી AK47, કાર્બાઈન, 2 દેશી બનાવટની પિસ્તોલ તેમજ નક્સલવાદી સાહિત્ય પણ મળી આવ્યું છે. એન્કાઉન્ટર વિસ્તારમાં પોલીસ અને C-60 કમાન્ડો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં ખલેલ પહોંચાડવાના પ્લાનિંગના ભાગરૂપે નક્સલવાદીઓ તેલંગાણા સરહદ પાર કરીને ગઢચિરોલીમાં પ્રવેશ કરી રહ્યા હતા. આ દરમિયાન એન્કાઉન્ટર થયું અને નક્સલવાદીઓ માર્યા ગયા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે 36 લાખ રૂપિયાનું સામૂહિક ઈનામ ધરાવનાર ચાર નક્સલવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
મહારાષ્ટ્ર પોલીસને સોમવારે બપોરે માહિતી મળી હતી કે લોકસભા ચૂંટણીને પ્રભાવિત કરવા માટે નક્સલવાદીઓનું એક જૂથ તેલંગણાથી ગઢચિરોલીમાં નદી પાર કરીને પ્રવેશ્યું છે. C-60 કમાન્ડો, ગઢચિરોલી પોલીસનું એક સ્પેશિયલ કોમ્બેટ યુનિટ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની ઘણી ટીમોને આ વિસ્તારની શોધ માટે મોકલવામાં આવી હતી. મંગળવારે સવારે રેપનપલ્લી નજીક કોલામરકા પર્વતોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ નક્સલવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેના પર સુરક્ષા જવાનોએ જવાબી કાર્યવાહી કરીને 4 ઈનામી નક્સલીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટર બંધ થયા બાદ વિસ્તારની તપાસ કરવામાં આવી હતી. પોલીસ અને કમાન્ડોની ટીમે ચાર પુરુષ નક્સલવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ચારેય નક્સલવાદીઓ પર 36 લાખ રૂપિયાનું સામૂહિક ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ વર્ગેશ, મગતુ, કુરસાંગ રાજુ અને કુદિમેટ્ટા વેંકટેશ તરીકે થઈ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology