bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ભારતીય સૈન્યના જવાનોએ જીવના જોખમે સિક્કિમમાં 500 પ્રવાસીઓને બચાવ્યાં...  

 

છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં હવામાનમાં પલટો આવ્યો છે. પર્વતો પર જ્યાં બરફ પડી રહ્યો છે. મેદાની વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. એવામાં સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. ત્યારબાદ ભારતીય સેના દેવદૂતના રૂપમાં ત્યાં પહોંચી હતી. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ભારતીય સેનાના જવાનોએ બુધવારે સિક્કિમમાં ભારત-ચીન સરહદ પર નાથુલામાં ભારે હિમવર્ષાના કારણે ફસાયેલા 500 કરતા પણ વધારે પ્રવાસીઓને બચાવ્યા હતા. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. સેનાના નિવેદન અનુસાર, પૂર્વ સિક્કિમમાં અચાનક હિમવર્ષાના કારણે ફસાયેલા 500 થી વધુ પ્રવાસીઓને સેનાના ત્રિશક્તિ કોર્પ્સના જવાનોએ બચાવ્યા હતા. આ ઉપરાંત તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ત્રિશક્તિ કોર્પ્સના જવાનોને બચાવ માટે ત્યાં મોકલવામાં આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડી હતી. સેનાએ પ્રવાસીઓને ગરમ ખોરાક અને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. નોંધનીય છે કે ભારે હિમવર્ષાના કારણે નાથુલામાં લગભગ 175 વાહનો ફસાઈ ગયા હતા.

ભારતીય સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતનું કહેવું છે કે ત્રિશક્તિ કોર્પ્સ સિક્કિમમાં સરહદોની સુરક્ષા કરતી વખતે નાગરિક પ્રશાસન અને લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર છે.

દરમિયાન, દેશના ઘણા રાજ્યોમાં, ખાસ કરીને પર્વતોમાં છેલ્લા ઘણા દિવસોથી હવામાનમાં પલટો આવ્યો છે. પહાડોમાં પણ ઘણી હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે મેદાની વિસ્તારોને પણ અસર થઈ રહી છે. તેજ પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે.