bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જયપુર: રાંધણ ગેસનો બાટલો ફાટતાં 3 બાળકો સહિત 5 લોકો ભડથું...

 

જયપુરના વિશ્વકર્મામાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. એક મકાનમાં ગેસનો બાટલો ફાટતાં લાગેલી ભીષણ આગમાં પાંચ લોકો દાઝી ગયા હતા. વિશ્વકર્માના જેસલ્યા ગામમાં લાગેલી આગમાં ત્રણ માસુમ બાળકો સહિત આખો પરિવાર મૃત્યુ પામ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ તમામ મૃતકો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસે એફએસએલની ટીમને ઘટનાસ્થળે બોલાવી છે.

રાજસ્થાનના જયપુરના જેસલ્યા ગામમાં મધુબની બિહારનો એક પરિવાર ભાડે રહેતો હતો. વિગતો મુજબ રાત્રે ઘરમાં જ્યારે આગ લાગી ત્યારે પરિવારના તમામ સભ્યો સૂતા હતા. પરિવારના સભ્યોને બહાર નીકળવાની કોઈ તક મળી ન હતી. આગથી બચવા બધા એક ખૂણામાં ગયા પણ બધા જીવતા ભૂંજાઇ ગયા હતા. આ તરફ પાડોશીઓ દ્વારા જાણ થતાં ફાયર વિભાગની ટીમે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં પરિવારજનો મૃત્યુ પામ્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓએ સળગેલી લાશને બહાર કાઢી હતી. આ તમામને પોસ્ટમોર્ટમ માટે SMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.આગનું કારણ જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


સમગ્ર ઘટનાને લઈ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, વિશ્વકર્મા, જયપુરમાં ભીષણ આગને કારણે 5 નાગરિકોના અકાળે મોતના સમાચાર હૃદયને હચમચાવી નાખે તેવા છે. હું સર્વશક્તિમાન ભગવાનને પ્રાર્થના કરું છું કે, તેઓ તેમના ચરણોમાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય. ઘાયલોને યોગ્ય સારવારની સુવિધા આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે.