સેક્ટર 90 ગુરુગ્રામ સ્થિત એક બાર અને રેસ્ટોરામાં ડિનર કરવા ગયેલા પાંચ લોકોને ભોજન કર્યા બાદ માઉથ ફ્રેશનર ખાવાનું ભારે પડી ગયું. એવો આરોપ છે કે રેસ્ટોરાના સ્ટાફે તેમને માઉથ ફ્રેશનરની જગ્યાએ ડ્રાય આઈસ આપી દીધો. આ ખાતા જ પાંચ લોકોના મોઢામાં બળતરા થવા લાગી અને લોહી નીકળવા લાગ્યું હતું. હાલત બગડવા છતાં રેસ્ટોરાના સ્ટાફે મદદ સુદ્ધા ન કરી હોવાનો પણ આરોપ લાગ્યો છે. બધા પોતાની જાતે જ હોસ્પિટલ પહોંચ્યા. એક મહિલાને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ પરંતુ ચાર લોકો આઈસીયુમાં છે. પોલીસે કેસ દાખલ કરીને ડ્રાય આઈસના સેમ્પલ તપાસ માટે મોકલી દીધા છે.
ગ્રેટર નોઈડાની એક સોસાયટીમાં રહેતા અંકિતકુમાર ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે શનિવારે ગુરુગ્રામમાં રહેતા તેના મિત્ર માણિકનો જન્મદિવસ ઉજવવા માટે સેક્ટર 90ની એક રેસ્ટોરામાં ગયા હતા. અંકિત તેની પત્ની અને એક વર્ષની પુત્રી સાથે હતો. માનિક અને તેની પત્નીની સાથે એક વધુ કપલ ત્યાં આવ્યું હતું. ખાવાનું ખાધા પછી અંકિત સિવાયના બધાએ માઉથ ફ્રેશનર લીધુ. જે ખાતા જ લોકોને મોઢામાં બળતરા થવા લાગી અને લોહી નીકળવા લાગ્યુ હતું તથા ઉલટી થવા લાગી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે એમ્બ્યુલન્સની રાહ જોવાની કહી. બધાની હાલત એટલી ખરાબ હતી કે તેઓ રાહ જોયા વગર પોતે જ હોસ્પિટલ પહોંચી ગયા. એકને રજા અપાઈ ગઈ પરંતુ બાકીના હજુ પણ આઈસીયુમાં સારવાર હેઠળ છે. એસીપી માનેસર સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે એફઆઈઆર નોંધી લેવાઈ છે.
ડ્રાય આઈસ કાર્બન ડાયોક્સાઈડ ગેસનું ઠંડુ અને ઘટ્ટ સ્વરૂપ છે. તેનો ઉપયોગ ઓછા ટેમ્પરેચર પર ફૂડની શેલ્ફ લાઈફ વધારવા માટે થાય છે. ખાદ્ય પદાર્થોને ઠંડા રાખવા માટે પણ તેનો ઉપયોગ કરાય છે. ડ્રાય આઈસનું તાપમાન -78 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. તેનો ઉપયોગ કરતા પહેલા હંમેશા ગ્લોવઝ પહેરવાની સલાહ અપાય છે. તેને ડાયરેક્ટર ટચ કરવો જોઈએ નહીં.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology