bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

લોન મોંઘી નહીં થાય...વ્યાજ દરમાં સતત છઠ્ઠી વખત કોઈ ફેરફાર નહીં, RBIએ રેપો રેટ 6.5% યથાવત રાખ્યો...  

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ની મોનિટરી પોલિસી કમિટીની (MPC meeting Results) બેઠકના પરિણામ આવી ગયા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપી દીધી છે સરકારના વચગાળાના બજેટની રજૂઆત બાદ તરત જ આવેલી આ નાણાકીય નીતિમાં રેપો રેટને પહેલાની જેમ જ 6.5 ટકા રાખવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ સતત છઠ્ઠી વખત પોલિસી વ્યાજ દરો યથાવત રાખ્યા છે. આના કારણે હવે સામાન્ય માણસને સસ્તું હોમ લોન કે કાર લોન EMIનો લાભ નહીં મળે.

RBIએ ગયા વર્ષે ફેબ્રુઆરીની મોનેટરી પોલિસીમાં રેપો રેટ 6.5 ટકા નક્કી કર્યો હતો. આને હાલ માટે જાળવી રાખવામાં આવ્યું છે. ફુગાવાને નિયંત્રિત કરવાના તેના મુખ્ય ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તેની દ્વિ-માસિક નાણાકીય નીતિ રજૂ કરી છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે રિઝર્વ બેંકની આ અંતિમ નાણાકીય નીતિ છે. આ પછી, આગામી નાણાકીય નીતિ એપ્રિલમાં આવશે, જે નવા નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય નીતિ હશે.

નાણાકીય નીતિ રજૂ કરતાં RBI ગવર્નર શક્તિકમ દાસે કહ્યું, “વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે દેશની અર્થવ્યવસ્થા મજબૂતી બતાવી રહી છે, એક તરફ આર્થિક વિકાસ વધી રહ્યો છે, તો બીજી તરફ ફુગાવો નીચે આવ્યો છે. મોનેટરી પોલિસી કમિટીએ ફુગાવાને અંકુશમાં રાખવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વ્યાજ દરોમાં અનુકૂળ વલણ પાછું ખેંચવાનું વલણ જાળવી રાખ્યું છે. દેશનો આર્થિક વિકાસ ઝડપી થઈ રહ્યો છે અને મોટાભાગના વિશ્લેષકોના અંદાજોને વટાવી રહ્યો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ છેલ્લે 2023ની 8 ફેબ્રુઆરીએ રેપો રેટ વધાર્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી બેઠકોમાં યથાવત રાખવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વચગાળાનું બજેટ રજૂ  કર્યું હતું. વચગાળાના બજેટ બાદ RBI MPCની આ પ્રથમ બેઠક છે.