bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પતંજલિના ભ્રામક દાવાઓ પર સુપ્રીમ કોર્ટ લાલચોળ, ફટકારી નોટિસ...

 

સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતના કેસમાં પતંજલિ આયુર્વેદ અને તેના એમડી આચાર્ય બાલકૃષ્ણને કોર્ટની અવમાનનાની નોટીસ ફટકારી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે IMAએ 2022માં પતંજલિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. IMAએ અરજીમાં કહ્યું હતું કે બાબા રામદેવ સોશિયલ મીડિયા પર એલોપેથી વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.

આ કેસની સુનાવણી જસ્ટિસ અમાનુલ્લાહની બેંચમાં ચાલી રહી છે. છેલ્લી સુનાવણી 21 નવેમ્બર 2023ના રોજ થઈ હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે પતંજલિએ ભ્રામક દાવાવાળી તમામ જાહેરાતો તાત્કાલિક બંધ કરવી પડશે. કોર્ટ આવા કોઈપણ ઉલ્લંઘનને ખૂબ જ ગંભીરતાથી લેશે અને ઉત્પાદન પરના દરેક ખોટા દાવા માટે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ લાદી શકે છે.

IMAના વકીલે કહ્યું- પતંજલિએ ડાયાબિટીસ અને અસ્થમાના ઈલાજનો દાવો કર્યો હતો.

IMA વતી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ પીએસ પટવાલિયાએ કહ્યું કે પતંજલિએ યોગથી ડાયાબિટીસ અને અસ્થમાને 'સંપૂર્ણપણે ઇલાજ' કરવાનો દાવો કર્યો છે. તેના પર કોર્ટે કહ્યું- તમારા (પતંજલિ)માં કોર્ટના આદેશ બાદ પણ આ જાહેરાત લાવવાની હિંમત હતી. કોર્ટે કહ્યું- હવે અમે કડક આદેશ આપવા જઈ રહ્યા છીએ. અમારે આમ કરવું પડશે કારણ કે તમે કોર્ટને ઉશ્કેરી રહ્યા છો. કોર્ટે કેન્દ્ર સરકાર સામે પણ આકરી ટીપ્પણી કરી હતી. જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું- આખા દેશ સાથે છેતરપિંડી થઈ રહી છે અને સરકાર આંખ આડા કાન કરી રહી છે.

કોર્ટે કહ્યું- પતંજલિએ એલોપેથી વિરુદ્ધ જાહેરાત ન કરવી જોઈએ

કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે પતંજલિ આયુર્વેદ ભવિષ્યમાં આવી કોઈ જાહેરાત પ્રકાશિત કરશે નહીં અને એ પણ સુનિશ્ચિત કરશે કે તેના દ્વારા આવા કેઝ્યુઅલ નિવેદનો પ્રેસમાં ન આવે. બેન્ચે એમ પણ કહ્યું કે તે આ મુદ્દાને 'એલોપથી વિ આયુર્વેદ'ની ચર્ચામાં ફેરવવા માંગતી નથી પરંતુ ભ્રામક તબીબી જાહેરાતોની સમસ્યાનો વાસ્તવિક ઉકેલ શોધવા માંગે છે.

અગાઉની સુનાવણીમાં તત્કાલિન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમન્નાએ કહ્યું હતું કે, 'બાબા રામદેવ તેમની મેડિકલ સિસ્ટમને લોકપ્રિય બનાવી શકે છે, પરંતુ તેમણે અન્ય સિસ્ટમની ટીકા શા માટે કરવી જોઈએ. આપણે બધા તેમનો આદર કરીએ છીએ, તેમણે યોગને લોકપ્રિય બનાવ્યો, પરંતુ તેમણે અન્ય પ્રણાલીઓની ટીકા ન કરવી જોઈએ.