bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

“CAA કાયદો ક્યારેય પાછો ખેચવામાં નહિ આવે”, વિપક્ષ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે: અમિત શાહ....

 

CAA એટલે કે નાગરિકતા સંશોધન કાયદો દેશમાં લાગુ થઈ ગયો છે. આ અંગે ચાલી રહેલા રાજકારણ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે, CAA એટલે કે નાગરિકતા સંશોધન કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં.

અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘CAA કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં. આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે, અમે તેની સાથે ક્યારેય બાંધછોડ કરીશું નહીં.’ અગાઉ મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાતરી આપી હતી કે, નાગરિકતા (સુધારા) કાયદામાં કોઈની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી.

CAA નોટિફિકેશન પર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની ટિપ્પણી પર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ‘એ દિવસ દૂર નથી જ્યારે ભાજપની ત્યાં (પશ્ચિમ બંગાળ) સત્તામાં આવશે અને ઘૂસણખોરી બંધ કરાશે. જો તમે આ પ્રકારની રાજનીતિ કરશો અને તુષ્ટિકરણની રાજનીતિ કરીને રાષ્ટ્રીય સુરક્ષાના આવા મહત્વપૂર્ણ મુદ્દા પર ઘૂસણખોરી કરશો અને શરણાર્થીઓને નાગરિકતા આપવાનો વિરોધ કરશો તો જનતા તમારી સાથે રહેશે નહીં. મમતા બેનર્જી આશ્રય લેનાર વ્યક્તિ અને ઘૂસણખોર વચ્ચેનો તફાવત નથી જાણતા.’

CAA દ્વારા ભાજપ નવી વોટ બેંક બનાવી રહી છે તેવા વિપક્ષના આક્ષેપ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘વિપક્ષ પાસે બીજુ કોઈ કામ નથી. તેમનો ઈતિહાસ એ છે કે, તેઓ જે કહે છે તે કરતા નથી. વડાપ્રધાન મોદીનો ઇતિહાસ છે કે, જે ભાજપે કહ્યુ છે અને નરેન્દ્ર મોદીએ જે કહ્યુ છે તે પથ્થરની લકીર છે. પીએમ મોદી દરેક ગેરંટી પૂરી કરે છે. તેમણે તો એમ પણ કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકમાં રાજકીય ફાયદો છે, તો શું આપણે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરવી જોઈએ? તેમણે એમ પણ કહ્યું કે, કલમ 370 હટાવવાની બાબત પણ અમારા રાજકીય ફાયદા માટે હતી. અમે 1950થી કહી રહ્યા છીએ કે, અમે કલમ 370 હટાવીશું.