કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્વદેશી સ્પેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં રૂપિયા 1000 કરોડની જોગવાઈ કરી છે. તેમણે કહ્યું કે આગામી દાયકામાં ભારતીય સ્પેસ ઈકોનોમી પાંચ ગણી વૃદ્ધિ કરશે. આ એક વેન્ચર કેપિટલ ફંડ છે. જેના દ્વારા સ્પેસ ઉદ્યોગમાં રોકાણ કરવામાં આવશે.
નાણાપ્રધાને એ નથી જણાવ્યું કે આ રોકાણ કેવી રીતે અને કઈ રીતે કરવામાં આવશે. પરંતુ આ સમાચારથી પ્રાઈવેટ સ્પેસ ઈન્ડસ્ટ્રીમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ અગ્નિકુલના સહ-સ્થાપક શ્રીનાથ રવિચંદ્રને કહ્યું કે આ એક સારા સમાચાર છે. તેનાથી ખાનગી સ્પેસ કંપનીઓને આગળ વધવામાં મદદ મળશે. તેમજ નવા ખેલાડીઓ પણ મેદાનમાં આવશે.
વૈશ્વિક સ્પેસ બજારમાં ભારતની તાકાતમાં વધારો થશે
અગ્નિકુલે શ્રીહરિકોટામાં ISROના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં તેનું લોન્ચપેડ બનાવ્યું છે. ઈન-સ્પેસ ચેરમેન પવન કે. ગોએન્કાએ કહ્યું કે આ ફંડથી ખાનગી સ્પેસ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને ઘણો ફાયદો થશે. તેમને પ્રોત્સાહન મળશે. વૈશ્વિક સ્પેસ બજારમાં ભારતની તાકાતમાં વધારો થશે.
જ્યારે ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓ સફળતાપૂર્વક તેમના પરીક્ષણો અને પ્રોજેક્ટ્સનું સંચાલન કરશે, ત્યારે ભારત વિશ્વભરમાં પ્રખ્યાત થશે. વિદેશી રોકાણ આવશે. જો આને ફંડિંગ અને એફડીઆઈ સાથે જોડવામાં આવે તો ભારતની સ્પેસ ઈન્ડસ્ટ્રીને ઘણુ બુસ્ટ મળશે. IN-SPACEના અંદાજ મુજબ, ભારતીય સ્પેસ ઈકોનોમી હાલમાં 8.4 અબજ ડોલર એટલે કે રૂપિયા 70 હજાર કરોડથી વધુની છે. આગામી દાયકામાં તે રૂપિયા 3.68 લાખ કરોડને વટાવી જશે. એટલે કે વૈશ્વિક સ્પેસ ઈકોનોમીમાં ભારતનો હિસ્સો 2 ટકાથી વધીને 8 ટકા થશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology