bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

PM મોદી સહિત ભાજપના ટોચના નેતાઓ સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી, જાણો શું છે મામલો...  

 નાગરિકતા સુધારા કાયદો (CAA) સંબંધિત કાયદાનો પ્રચાર પ્રસાર કરવા મામલે વડાપ્રધાન મોદી સહિત ભાજપના ટોચના નેતાઓ સામે કેસ નોંધવાની માગ સાથે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે રાજ્ય સરકારને નોટિસ પણ મોકલાઈ હતી. આ મામલે હવે આગામી અઠવાડિયે સુનાવણી થવાની શક્યતા છે. 

  • અગાઉ પણ આવી અરજી કરી હતી જે ફગાવાઈ હતી 

અરજદાર અલીગઢના ખુર્શીદ ઉર રહેમાને આ મામલે અગાઉ કલમ 156 (3) હેઠળ અલીગઢ જિલ્લા કોર્ટમાં અરજી કરી હતી જેને સીજેએમએ 8 જાન્યુઆરી 2024ના રોજ ફગાવી દીધી હતી. આ આદેશ સામે જ સેશન કોર્ટ અલીગઢે પણ રિવ્યૂ પિટિશન 6 એપ્રિલ 2024ના રોજ ફગાવી દીધી હતી. હવે આ બંને આદેશને હાઇકોર્ટમાં પડકારાયો છે. 

  • અરજીમાં કોના કોના નામ સામેલ? 

અરજદારે તેની અરજીમાં વડાપ્રધાન મોદી, ભાજપના અધ્યક્ષ નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ સહિત કમલ સંદેશ નામની મેગેઝિનના પ્રકાશક તથા એમડી અને અન્ય લોકો સામે કેસ દાખલ કરવાની માગ કરી છે. અરજદારે કમલ સંદેશ નામની મેગેઝિનમાં પ્રકાશિત લેખનો હવાલો આપ્યો હતો જેમાં કહ્યું છે કે ભાજપના નેતાઓએ કાવતરાં હેઠળ પોતાના હિતમાં હિંસા, રમખાણો અને ધાર્મિક ભાવના ભડકાવવા માટે પદ અને શપથનો દુરુપયોગ કર્યો હતો.

  • અરજીમાં કરાયો મોટો દાવો 

અરજીમાં દાવો કરાયો કે આ નેતાઓએ સીએએ અંગે ભાષણ આપ્યા. હોર્ડિંગ્સ અને કમલ સંદેશ નામની મેગેઝિનમાં લેખ પ્રકાશિત કરી મોટાપાયે તેનો પ્રચાર કર્યો. તેનાથી દેશમાં મોટાપાયે દેખાવો થયા, હિંસા ભડકી અને જાહેર સંપત્તિને નુકસાન થયું.