bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કેરળના વાયનાડમાં આફત બન્યો વરસાદ, ભૂસ્ખલનથી મૃત્યઆંક વધીને 24 થયો, 70 લોકો ઈજાગ્રસ્ત...

દેશમાં હાલ અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેરળમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભીષણ ભૂસ્ખલનની ઘટના બની છે. જેમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો દટાયાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક સૂત્રોના અહેવાલ મુજબ 70 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાને શોક વ્યક્ત કરીને વળતરની જાહેરાત કરી છે.

  • ભૂસ્ખલન થતાં 100થી વધુ લોકો દટાયાની આશંકા

કેરળમાં અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આજે (30 જુલાઈ) વહેલી સવારે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જાનમાલનું મોટું નુકસાન થવાની આશંકા છે.  મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં અત્યાર સુધીમાં 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો દટાયાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA)ના જણાવ્યાનુસાર બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ ટીમોને મોકલવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની આશંકા છે. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે.

 

  • PM મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા વળતરની પણ જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છેકે 'વાયનાડના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનથી દુઃખી છું. મારી સંવેદના તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ ઈજાગ્રસ્ત થયા છે તેમના માટે હું પ્રાર્થના કરું છું. તમામ અસરગ્રસ્ત લોકોને મદદ હાલમાં ચાલી રહી છે.' વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી પણ આપી હતી.

  • કેન્દ્ર સરકારે વળતરની જાહેરાત કરી

વડાપ્રધાન મોદીએ દુર્ઘટના પર વળતરની પણ જાહેરાત પણ કરી છે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે, 'વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્તોને વળતર તરીકે 50,000 રૂપિયા આપવામાં આવશે.'


CMO તરફતી એક નિવેદન પણ જાહેર કરાયું

રાજ્યમાં ભૂસ્ખલનની ઘટના બાદ મુખ્યમંત્રીની ઓફિસ તરફથી એક નિવેદન જાહેર કરતા જણાવ્યું છેકે ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, થમરાસેરી પાસ દ્વારા જરૂરી વાહનો સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી પાસમાં ટ્રાફિક જામ ન થાય અને બચાવ ટીમને મુંડકાઈ સુધી પહોંચાડી શકાય. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALHને તામિલનાડુના સુલુરથી રવાના કરવામાં આવ્યા છે.