bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

મોજમજાની મોકાણ ! ત્રણ આઇએએસ અધિકારીઓનો પ્રજાના પૈસે આલિશાન પેરિસ પ્રવાસ વિવાદમાં....  

 


ચંદીગઢના ત્રણ IAS અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તેના પર વ્યર્થ ખર્ચ કરવાનો આરોપ છે. ડાયરેક્ટર જનરલ ઓફ ઓડિટ (સેન્ટ્રલ), ચંદીગઢના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ અધિકારીઓ બિઝનેસ ક્લાસ ટિકિટ લીધી હતી, આલિશાન ફાઈવ સ્ટાર હોટેલમાં ઉતર્યા હતા અને બેહિસાબ ખર્ચ કર્યો હતો. ઓડિટ રિપોર્ટમાં આઈએએસ અધિકારીઓની અનિયમિતતાના ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે

આ ત્રણેય અધિકારી 2015માં, સત્તાવાર ફ્રાન્સ પ્રવાસ પર ગયા હતા. તેમણે બેહિસાબ રીતે કરેલા ખર્ચાઓ પર કેગના ઓડિટના લીધે સવાલ ઊભો થયો છે. આ ત્રણેય અમલદાર છે ચંદીગઢ   વહીવટીતંત્રના સલાહકાર વિજયદેવ, ચંદીગઢના ગૃહસચિવ અનુરાગ અગ્રવાલ અને તત્કાલીન સચિવ વિક્રમ દેવ દત્ત. તે સમયે પંજાબના ભૂતપૂર્વ રાજ્યપાલ, કપ્તાનસિંહ સોલંકી કાર્યભાર સંભાળતા હતા. કરદાતાઓના નાણાંનો દુરુપયોગ કરવા બદલ તેમની તપાસ કરવામાં આવી રહી છે. આરોપ છે કે આ ત્રણેય અધિકારીઓએ મનસ્વી રીતે પેરિસની તેમની યાત્રાનો સમયગાળો લંબાવ્યો, ટ્રિપ દરમિયાન ખૂબ જ મોંઘી હોટેલોમાં રોકાયા અને તમામ નિયમોની અવગણના કરીને એકબીજાની ટ્રિપ્સને મંજૂરી આપી.

તમને જણાવી દઈએ કે 2015માં ચંદીગઢ એડમિનિસ્ટ્રેશનને પેરિસના લે કોર્બ્યુઝિયર ફાઉન્ડેશન તરફથી આમંત્રણ મળ્યું હતું. સ્વિસ-ફ્રેન્ચ આર્કિટેક્ટ કંપની લે કોર્બ્યુઝિયરની 50મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારી બેઠકને ધ્યાનમાં રાખીને આ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે લે કોર્બુઝિયર એ જ આર્કિટેક્ટ હતા જેમણે ચંદીગઢનો માસ્ટરપ્લાન તૈયાર કર્યો હતો.

ચંદીગઢ સરકારે આ બેઠક માટે ચાર અધિકારીઓની પસંદગી કરી હતી. બાદમાં, ગૃહ મંત્રાલયની મંજૂરી પછી, ત્રણ અધિકારીઓ વિજય દેવ, વિક્રમ દેવ દત્ત અને અનુરાગ અગ્રવાલ આ બેઠકમાં ભાગ લેવા પેરિસ ગયા હતા. ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ત્રણ IAS અધિકારીઓએ પેરિસ જવા માટે એકબીજાના નામને મંજૂરી આપી હતી. વિજય દેવે વિક્રમ દત્તના નામને મંજૂરી આપી. તેથી વિક્રમ દત્તે વિજય દેવની મુલાકાતને મંજૂરી આપી. વિજય દેવે અનુરાગ અગ્રવાલના પ્રવાસને મંજૂરી આપી.

રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ પ્રવાસનો પ્રારંભિક ખર્ચ 18 લાખ રૂપિયા હતો જે વધીને 25 લાખ રૂપિયાથી વધુ થઈ ગયો છે. બિઝનેસ ક્લાસની ટિકિટની કિંમત 1.77 લાખ રૂપિયા હતી. જ્યારે, હોટેલનું ભાડું પણ ઘણું વધારે હતું. ઓડિટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પેરિસની આ યાત્રા એક જ દિવસ માટે હતી, પરંતુ બાદમાં યોગ્ય મંજૂરી વિના તેને સાત દિવસ માટે લંબાવી દેવામાં આવી હતી. જ્યારે, મંજૂરી વિના, કોઈપણ વિદેશ પ્રવાસને મહત્તમ પાંચ દિવસ સુધી લંબાવી શકાય છે. અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે આમંત્રણ ચંદીગઢના મુખ્ય આર્કિટેક્ટ માટે હતું, જ્યારે તેના બદલે ત્રણ સચિવ સ્તરના અધિકારીઓએ હાજરી આપી હતી અને તે પણ કરદાતાઓના ખર્ચે. આ પ્રવાસનો ખર્ચ લે કોર્બ્યુઝિયર ફાઉન્ડેશને ઉઠાવ્યો ન હોવાનું પણ સામે આવ્યું છે. આ ત્રણ IAS અધિકારીઓમાંથી એક હવે નિવૃત્ત થઈ ગયો છે, જ્યારે બેની બદલી કરવામાં આવી છે. ઓડિટ રિપોર્ટ સામે આવ્યા બાદ ચંદીગઢ પ્રશાસને નકામા ખર્ચને રોકવા માટે ઘણા પગલાં લીધા છે. હવે દિલ્હીની મુસાફરી એરોપ્લેનને બદલે ટ્રેન દ્વારા થશે અને અધિકારીઓ સત્તાવાર મુલાકાત દરમિયાન સરકારી આવાસમાં રહેશે.