bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ખેડૂતોની ફરી દિલ્હી કૂચ કરવાની તૈયારી, શંભુ બોર્ડર ખુલવાની રાહમાં, આજે કરશે ધરણા પ્રદર્શન...

ગત ફેબ્રુઆરીથી પંજાબ અને હરિયાણાની સરહદ પર ઉભેલા ખેડૂતોએ હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. બિનરાજકીય યુનાઇટેડ કિસાન મોરચાના સભ્ય જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે, શંભુ બોર્ડર ખુલતાની સાથે જ તેઓ દિલ્હી તરફ કૂચ કરશે. તેમની પાસે છ મહિનાનું રાશન છે. તેઓએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, તેમને દિલ્હીના જંતર-મંતર અથવા રામલીલા મેદાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવે. જો રસ્તામાં ક્યાંય પણ સરકાર દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેઓ ત્યાં જ વિરોધ શરૂ કરશે જેની જવાબદારી સંપૂર્ણપણે સરકારની રહેશે.

બિનરાજકીય યુનાઇટેડ કિસાન મોરચાના સભ્ય જગજીત સિંહ દલ્લેવાલ મંગળવારે અન્ય ખેડૂત નેતાઓ સાથે ચંદીગઢમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ ટ્રેક્ટર ટ્રોલી સાથે કૂચ કરશે કારણ કે તેમના માટે વરસાદ, ગરમી અને ઠંડીથી બચવા માટે ટ્રોલી જ એકમાત્ર વિકલ્પ છે. આમાં રેડી ટુ મૂવ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, પ્રવાસમાં થોડો સમય લાગી શકે છે કારણ કે તેમનો સામાન પેક કરવામાં સમય લાગશે. પરંતુ તેઓ દિલ્હી કૂચ પર અડગ છે કારણ કે તેથી જ તેમણે તેમનું આંદોલન શરૂ કર્યું હતું. આ માટે ગામડાઓમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પંજાબના ભટિંડા અને હરિયાણાના સિરસાથી ખેડૂતોનો મોટો સમૂહ ખનૌરી સરહદે પહોંચી રહ્યો છે.

જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે તેઓ કેન્દ્ર સરકાર પાસે કોઈ માંગણી નથી કરી રહ્યા પરંતુ માત્ર સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા કરવા માટે આંદોલન કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, સરકાર સરહદ ખોલવા તૈયાર નથી થઈ રહી જ્યારે હાઈકોર્ટ દ્વારા આ અંગે સ્પષ્ટ આદેશ જાહેર કરવામાં આવ્યા છે. હરિયાણા સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. સરહદ પર પણ પહેલાની જેમ સુરક્ષા વધારવામાં આવી રહી છે. હાઈકોર્ટના નિર્ણય બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, રસ્તો ખેડૂતો દ્વારા નહીં પરંતુ ભાજપ સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યો છે અને હવે પણ જો હરિયાણા સરકાર દ્વારા રસ્તો ખોલવામાં નહીં આવે તો વેપારીઓએ પણ ખેડૂતોને સમર્થન આપવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ આંદોલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે સરહદનો 300 મીટર વિસ્તાર પંજાબ તરફ આવે છે તેથી સરહદ ખોલવાનો આદેશ પંજાબ સરકારનો પણ છે.

  • 17મીએ અંબાલા એસપી ઓફિસનો ઘેરાવ કરશે

આ સાથે તેમણે કહ્યુ કે, તેઓ બુધવારે સવારે અનાજ માર્કેટમાં ભેગા થશે અને ત્યાર બાદ જ તેઓ એસપી ઓફિસ જવા રવાના થશે. તેઓ યુવા ખેડૂત નવદીપ સિંહ જલબેડાની મુક્તિ માટે આ ઘેરો કરી રહ્યા છે અને ગુરુવારે પણ તેમનો વિરોધ ચાલુ રહેશે. ગોળી વાગવાથી શુભકરણના મોત પર હરિયાણા તરફથી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હરિયાણા પોલીસ પણ શોટ ગનનો ઉપયોગ કરી રહી છે. સમગ્ર કેસમાં આરોપીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.