હિમાચલ પ્રદેશના મનાલીમાં 10 કિ.મી. દૂર સોલાંગ વેલીમાં આભ ફાટતાં (Manali Cloud Burst) ભારે તબાહી મચી ગઈ. અડધી રાતે ભારે વરસાદ બાદ આશરે 1 વાગ્યે અંજનિ મહાદેવ નાળામાં ભયાનક પૂર (Manali Flood) આવ્યું. જેના લીધે ધૂંધીથી પલચાન અને મનાલી શહેર સુધી અફરાતફરી મચી ગઈ. વ્યાસ નદીમાં જળસ્તર વધી ગયું. પર્વતો પરથી પથ્થરો પણ ધસી આવ્યા જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા.
મનાલીના સોલાંગવાલી રિસોર્ટ નજીક પૂરની લપેટમાં આવતા બે મકાનો પણ વહી ગયાની માહિતી મળી હતી. આ ઉપરાંત અનેક પશુઓ પણ આભ ફાટ્યા બાદ સર્જાયેલા પૂરમાં તણાઈ ગયા હતા. અહીં આવેલા 9 મેગાવૉટના પાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું હતું.
અહીં પલચાનથી આગળ આવેલા પુલ પર મોટા મોટા પથ્થરોનો ખડકલો સર્જાયો છે. લોકો પણ પોતાના ઘરોથી બહાર નીકળી આવ્યા હતા. આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વમંત્રી ગોવિંદ સિંહ પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. રસ્તો હાલ બંધ છે અને પથ્થરો હટાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ભારે પૂરને લીધે અટલ ટનલથી ચાર કિ.મી. પહેલા આવેલા ધૂંધી ટનલથી લઈને પલચાન સુધી નુકસાનના અહેવાલ છે. એક જગ્યાએ સ્નોગેલેરીમાં પણ કાટમાળ ફરી વળ્યું હતું. લેહ મનાલીનો હિસ્સો પણ તૂટી ગયો છે. લાહોલ સ્પીતિમાં પ્રવાસીઓ ફસાયાની માહિતી મળી રહી છે. હાઈવે પર વાહનોની અવરજવર અટકી ગઈ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology