bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

'તમે દેશનું નામ રોશન કર્યું’ PM મોદીએ પેરિસમાં બ્રોન્ઝ જીતનાર મનુ ભાકરને પાઠવ્યા અભિનંદન...

પેરિસથી રમતજગતને લઈને એક સારા સમાચાર આવ્યા છે. ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતી ગઈ છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પણ તેમની સાથે ફોન પર વાત કરીને અભિનંદન પાઠવ્યા છે.

  • પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ

20 વર્ષ બાદ ઓલિમ્પિકની કોઈ વ્યક્તિગત શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય મહિલા શૂટર ફાઇનલમાં પહોંચી હતી. અને એટલું જ નહીં તેણે મેડલ પણ જીત્યો હતો. અગાઉ 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલમાં સુમા શીરૂરે ફાઇનલ સુધીની સફર ખેડી હતી. મનુ ભાકરે ભારતને પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. 

મનુએ આઠ શૂટર્સની ફાઇનલમાં 221.7 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દક્ષિણ કોરિયાની યેજી કિમ કરતાં તે માત્ર 0.1 પોઈન્ટ પાછળ હતી, જેણે આખરે 241.3 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. કિમના જ દેશની યે જિન ઓહે 243.2 પોઈન્ટના ઓલિમ્પિક રેકોર્ડ ફાઈનલ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. લંડન ઓલિમ્પિક 2012 પછી શૂટિંગમાં ભારતનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. રિયો ઓલિમ્પિક 2016 અને ટોક્યો ઓલિમ્પિકમાંથી ભારતીય શૂટર્સ ખાલી હાથે પરત ફર્યા હતા અને મેડલ જીતી શક્યા નહોતા.

શૂટર મનુ ભાકર ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર છે. તેણે મેડલ જીત્યા બાદ કહ્યું હતું કે બહારની વસ્તુઓ તમે કંટ્રોલ નથી કરી શકતા. હું ભગવદ્ ગીતામાંથી આ શીખી છું. ભગવાન અર્જુનને કહે છે કે તમે તમારા કર્મ પર ધ્યાન આપો અને ફળ પર ધ્યાન ન આપો. મેં એને જ અનુસરવાનો પ્રયાસ કર્યો છે.

 

  • વડાપ્રધાને મનુ ભાકરને આપ્યા અભિનંદન

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલમ્પિકમાં ઈતિહાસ રચનાર મનુ ભાકરને પણ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન ટેલિફોનિક વાતચીતમાં મનુને કહ્યું કે, ‘ખૂબ ખૂબ અભિનંદન... તમારા સફળતાના સમાચારો સાંભળી હું ખૂબ ઉત્સાહિત અને આનંદીત થયો છું.’ તો મનુએ કહ્યું કે, ‘અહીં રમી રહેલા આપણાં ખેલાડીઓ સારુ રમી રહ્યા છે.’ તો વડાપ્રધાને કહ્યું કે, ‘તમે સિલ્મર મેડલ મેળવતા રહી ગયા, છતાં તમે દેશનું નામ રોશન કર્યું છે. તમને બે પ્રકારની ક્રેડિટ મળી છે. એક તો તમે કાંસ્ય પદક લાવ્યા અને બીજું કે, તમે આ મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા બન્યા છો. મારા તરફથી તમને અભિનંદન. ટોકીયો ઓલમ્પિકમાં રાઈફલે તમારી સાથે દગો કર્યો, જોકે આ વખતે તમે તમામ ખામીઓ પુરી કરી દીધી છે.’ પછી મનુએ કહ્યું કે, હજુ આગામી ઘણી મેચો રમવાની છે, તેથી મને આશા છે કે, હું ઘણું સારુ રમવાનો પ્રયાસ કરીશ.’ ત્યારબાદ વડાપ્રધાને કહ્યું કે, ‘મને પુરો વિશ્વાસ છે કે, તમે આગામી મેચોમાં પણ સારું રમશો. તમે બિગનિંગ સારુ કર્યું છે, તેથી તમારો ઉત્સાહ પણ વધશે અને આત્મવિશ્વાસ પણ વધશે, જેના કારણે દેશને લાભ થશે.’