ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાના રૂટ પર આવતી ખાણી-પીણીની દુકાનો પર નેમ પ્લેટ (દુકાનદારોના માલિકોના નામ) લગાવવાના યોગી સરકારના નિર્ણય સામે કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે નેમ પ્લેટ લગાવાાના આદેશ પરનો અગાઉનો સ્ટે યથાવત રાખ્યો હતો. આ ઉપરાંત કોર્ટે ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની સરકારોને આ મામલે જવાબ આપવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા બાદ સોમવારે થશે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો સ્ટે યથાવત રહેશે.
સુપ્રીમ કોર્ટે અગાઉનો સ્ટે યથાવત રાખ્યો
ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાના રૂટ પર નેમ પ્લેટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધ કરીને અરજીઓને ફગાવી દેવા માટે કોર્ટને અપીલ કરી હતી. કાવડ યાત્રાના રૂટ પર નેમ પ્લેટ લગાવવાનો આદેશ સૌથી પહેલા મુઝફ્ફરનગરથી શરૂ કરવામાં આવ્યો હતો, બાદમાં યોગી સરકારે આ નિયમને સમગ્ર રાજ્યમાં લાગુ કરી દીધો હતો, ત્યારબાદ વિપક્ષે આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો હતો. અને નિર્ણય પાછો લેવા પણ માગ કરી હતી. આ પછી સરકારના આ નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે 22 જુલાઈએ વચગાળાનો સ્ટે લગાવતા આદેશમાં કહ્યું હતું કે દુકાનદારોએ તેમની ઓળખ જાહેર કરવાની જરૂર રહેશે નહીં.
આજે (26 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં ઉત્તર પ્રદેશ સરકારે નેમ પ્લેટના નિર્ણય પર જવાબ આપતા કહ્યું હતું કે 'આ વિચાર પારદર્શિતા લાવવા અને સંભવિત ભ્રમથી બચવા અને શાંતિપૂર્ણ યાત્રાને સુનિશ્ચિત કરવાનો હતો. અગાઉ ગેરસમજણને કારણે ઝઘડા અને તણાવની સ્થિતિ સર્જાઈ છે. એટલે ફરી આવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે અમે (સરકારે) નેમ પ્લેટ લખવાની સૂચના આપી હતી. કાયદો અને વ્યવસ્થા માટે જળવાઈ રહે તે માટે કલમ 71 હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.'
જસ્ટિસ ઋષિકેશ રોય અને એસ.વી.એન. ભાટીની બેન્ચે કહ્યું કે '22 જુલાઈના આદેશ પર કોઈ સ્પષ્ટતા કરશે નહીં કારણ કે અમે (બેન્ચ) 22 જુલાઈના અમારા આદેશમાં જે કંઈ કહેવાની જરૂર હતી, તે કહી દીધું હતું.' તેમજ કોર્ટે ફરી પોતાના આદેશમાં કહ્યું કે 'નામ જાહેર કરવા માટે કોઈને દબાણ કરી શકાય નહીં.' હવે આ મામલે આગામી સુનાવણી સોમવાર 5 ઓગસ્ટ સુનાવણી હાથ ધરવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology