bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટની કલેકટર કચેરીએ CBRT પધ્ધતિ રદ કરવાની માંગ સાથે કાર્યકરોનો હંગામો...  

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં પારદર્શિતા દાખવવા માટે સીબીઆરટી પધ્ધતિ દાખલ કરવામાં આવ્યા પછી પણ અનેક પ્રકારની ટેકનીકલ ક્ષતિઓ જોવા મળતી હોવાથી આ પ્રકારની પરીક્ષા પધ્ધતી નાબુદ કરવા તેમજ વનવિભાગ દ્વારા જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે તેમાં ઉમેદવારોનાં નામની સાથે માર્કસ જાહેર કરવાની માગણી સાથે આજરોજ રાજકોટમાં વિદ્યાર્થી કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ ઘેરાવનો કાર્યક્રમ યોજવામાં આળ્યો હતો. દેખાવો અને સુત્રોચ્ચાર સાથે હલ્લાબોલનો કાર્યક્રમ યોજવામાં આવતા ૧૫ વિદ્યાર્થી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીબીઆરટી પરીક્ષા પધ્ધતિને કારણે પ્રશ્ન પેપરોનાં ભાષાંતર સહિતની બાબતોમાં જે વિસંગતતાઓ જોવા મળી છે. તેનાં વિરોધમાં અત્યારે ગાંધીનગરમાં આંદોલન ચાલી રહ્યું છે. સીબીઆરટી પરીક્ષા પધ્ધતિ રદ કરવાની માંગ સાથે ફોરેસ્ટરની પરીક્ષા આપનારા ઉમેદવારો દરેક ઉમેદવારોનાં માર્કસ જાહેર કરવાની મંગ કરી રહ્યાં છે. છેલ્લા ચાર પાંચ દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાતનાં જિલ્લા મથકોએ વિદ્યાર્થી કાર્યકરો દ્વારારજૂઆત કરવામાં આવતી હોવા છતાં આજ સુધી આ અંગે કોઈ હકારાત્મક પ્રતિસાદ રાજય સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી.

તેથી આજરોજ રાજકોટમાં એનએસજીઆઈનાં વિદ્યાર્થી કાર્યકરોએ રાજકોટની જિલ્લા કલેકટર કચેરીએ ઘેરાવનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આજે સવારે વિદ્યાર્થી કાર્યકરો ન્યાય આપોનાં સ્લોગન લખેલા પ્લેકાર્ડ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતાં. કાર્યકરો પહોંચતા કલેકટર કચેરીનાં દરવાજા બંધ કરી દેવામાં આવતા દેખાવો અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. વિદ્યાર્થી કાર્યકરોએ જિલ્લા કલેકટર કચેરીએ જઈ લેકિત રજુઆત કરવાની માંગણી કરતાં તેઓને અટકાવી દેવામાં આવ્યા હતાં. તેમજ પોલીસે કાર્યકરોની અટકાયત કરતા હાયરે ભાજપ હાય.. હાય..નાં નારાઓ લાગ્યા હતાં. હલ્લો બોલનાં કાર્યક્રમ દરમિયાન એક કાર્યકરે પોલીસની વાન ઉપર ચડી સરકાર વિરોધી સૂત્રચોચાર કર્યા હતાં. અલબત મોડેથી કેટલાક કાર્યકરોએ જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી સીબીઆરટી પધ્ધતિ રદ કરવા અને ફોરેસ્ટની પરીક્ષામાં ઉમેદવારોનાં માર્કસ જાહેર કરવાની માંગણી દોહરાવી હતી.