પતિ-પત્ની વચ્ચે કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલે તે દરમિયાન પણ પત્ની એવી જ જીવનશૈલી કે લાભ ભોગવવાની હકદાર છે જેવી તે પતિના ઘરે ભોગવતી હતી એવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે છૂટાછેડામાં ભરણપોષણના એક મામલાની સુનાવણી દરમિયાન કરી હતી. સાથે જ પતિને મહિને રૂપિયા ૧.૭૫ લાખ પત્નીને આપવાના ફેમેલી કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમે નોંધ્યું હતું કે પત્નીએ લગ્ન બાદ પોતાના વ્યવસાયનો ત્યાગ કર્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ બી પી વરાલેની બેંચ સમક્ષ પતિ-પત્નીના છૂટાછેડા અને ભરણપોષણનો મામલો પહોંચ્યો હતો, અગાઉ ફેમેલી કોર્ટે આ જ મામલે પતિને આદેશ આપ્યો હતો કે તે પત્નીને વચગાળાના ભરણપોષણ તરીકે મહિને ૧.૭૫ લાખ રૂપિયા ચુકવે, જેને પતિએ મદ્રાસ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. મદ્રાસ હાઇકોર્ટે રકમ ઘટાડીને મહિને ૮૦ હજાર રૂપિયા કરી આપી હતી. જેની સામે પત્નીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ફેમેલી કોર્ટના રૂપિયા ૧.૭૫ લાખ ચુકવવાના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો અને હાઇકોર્ટના આદેશને રદ કરી નાખ્યો હતો. પત્નીએ લગ્ન બાદ પોતાના વ્યવસાયનો ત્યાગ કર્યો હોવાની નોંધ પણ સુપ્રીમે લીધી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે જેવી જીવનશૈલી પતિ ભોગવી રહ્યો હોય તે જ પ્રકારની જીવનશૈલી પત્ની પણ જીવવાને હકદાર છે. પત્ની જ્યારે પતિની સાથે હતી તે સમયે તેના જે ખર્ચા અને જીવનશૈલી હતી તે જ પ્રકારની જીવનશૈલી છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હોય ત્યારે પણ જીવવાનો અધિકાર ધરાવે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology