bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 મણિપુરમાં ફરી સ્થિતિ વણસી, વિરોધ પ્રદર્શન વચ્ચે 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ તો ત્રણ જિલ્લામાં કર્ફ્યુ....  

મણિપુરમાં હિંસા અને વિદ્યાર્થીઓના પ્રદર્શનની વધતી ઘટનાઓને જોતા રાજધાની ઈમ્ફાલ સહિત ત્રણ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, સાથે જ ઈન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.  મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ ખરાબ થઈ છે અને આખા રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં ત્રણ જિલ્લામાં કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. સાથે જ કેન્દ્રએ મણિપુરમાં બે નવી CRPF બટાલિયનની તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં લગભગ 2,000 જવાનો હશે. મણિપુરમાં હિંસા અને વિદ્યાર્થીઓના પ્રદર્શનની વધતી ઘટનાઓને જોતા રાજધાની ઈમ્ફાલ સહિત ત્રણ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જાણીતું છે કે કાયદો અને વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓએ મંગળવારે રાજભવન તરફ કૂચ કરી હતી, જ્યાં વિદ્યાર્થીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 50થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. એ સમયે વિદ્યાર્થીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો. આ પછી પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા, જે બાદ કેન્દ્રએ વધુ 2,000 CRPF જવાનોને મણિપુર મોકલવાનો નિર્ણય લીધો છે. વિરોધને જોતા, ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મણિપુર સરકારે રાજ્યમાં ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન બંધ કરવા અંગે નોટિસ જારી કરી છે. જેમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે, 'સરકારે દુષ્કર્મીઓ દ્વારા નફરત ફેલાવતા ભાષણો અને સોશિયલ મીડિયા દ્વારા હિંસા ભડકાવવા માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.' મણિપુરમાં વિદ્યાર્થીઓની માંગ છે કે રાજ્યના ડીજીપી અને સુરક્ષા સલાહકાર કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ કારણોસર તેમને પદ પરથી હટાવવા જોઈએ. આ માંગણી પર દબાણ લાવવા તેઓ રાજભવન તરફ કૂચ કરી રહ્યા હતા.