bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને રાહત, સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાત કેસમાં માફી સ્વીકારી...  

સુપ્રીમ કોર્ટે મંગળવારે (13મી ઑગસ્ટ) યોગ ગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના વડા આચાર્ય બાલકૃષ્ણને મોટી રાહત આપી છે. ભ્રામક જાહેરાતના કેસમાં કોર્ટે બંને સામે અવમાનનો કેસ બંધ કરી દીધો છે. પતંજલિના પ્રોડક્ટ વિશે ભ્રામક જાહેરાત કેસમાં પહેલા જ માફીનામું દાખલ કરવામાં આવ્યું હતું, જેને કોર્ટે સ્વીકારી લીધી છે. 

  • સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ નિર્ણય ચુકાદો આપ્યો હતો. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે અવમાનનો કેસ બંધ કરતી વખતે કોર્ટે કહ્યું કે, 'કોર્ટ બંને દ્વારા આપવામાં આવેલી બિનશરતી માફીનો સ્વીકાર કરે છે.' આ ઉપરાંત બંનેને ભવિષ્યમાં કોર્ટનો અનાદર ન કરવા ચેતવણી પણ આપી હતી.

  • કોર્ટે 14મી મેના નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

અગાઉ સુપ્રીમ કોર્ટે 14મી મેના રોજ અવમાનના કેસમાં નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. 23મી એપ્રિલે અખબારમાં પતંજલિ દ્વારા આપવામાં આવેલી જાહેર માફીના કદને લઈને પ્રશ્નો ઊઠાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પતંજલિ આયુર્વેદે ફરી એકવાર મોટા કદની જાહેર માફીનામું પ્રકાશિત કર્યું હતું.

 

  • પતંજલિ પર કોણે કેસ કર્યો હતો?

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)એ ઓગસ્ટ 2022માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. પતંજલિએ એક જાહેરખબરમાં જણાવ્યું હતું કે, ‘એલોપથી દવા, ફાર્મા અને મેડિકલ ઈન્ડસ્ટ્રીથી પોતાને અને દેશને બચાવો.’ બાબા રામદેવે એલોપથી દવાને ‘મૂર્ખ અને નાદાર વિજ્ઞાન’ પણ ગણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, ‘એલોપથી દવા કોવિડ-19થી થનારા મોત માટે જવાબદાર છે.’ આ દરમિયાન ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને દાવો કર્યો કે ‘પતંજલિના કારણે પણ લોકો રસી લેતા ખચકાઈ રહ્યા છે.’