મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરી દેવાયું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સતત સાતમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. ભાજપના નેતાઓ મોદી 3.0ના પહેલા બજેટના વખાણ કરી રહ્યા છે. ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ બજેટને લઈને મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ‘આ તો ખુરશી બચાવો બજેટ છે.’ આ ઉપરાંત અન્ય વિપક્ષી નેતાઓએ પણ બજેટની ટીકા કરી છે.
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું 'ખુરશી બચાવો બેજટ, આ બજેટમાં સાથી પક્ષોને ખુશ કરવામાં આવ્યા છે. આ બજેટમાં સામાન્ય માણસ માટે કંઈ નથી. કોપી પેસ્ટ બજેટ છે.'
કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કેન્દ્રીય બજેટ પર કહ્યું કે 'આ એક નિરાશાજનક બજેટ છે, મે સામાન્ય લોકોનો સામનો કરતી મુખ્ય સમસ્યાઓ વિશે મેં કશું સાંભળ્યું નથી. સામાન્ય લોકોની આવકમાં સુધારો કરવા માટે લેવામાં આવેલા કોઈપણ પગલાંનો અપૂરતો ઉલ્લેખ હતો . જ્યારે આવકની ગંભીર અસમાનતાની વાત આવે છે, ત્યારે આપણે સરકાર તરફથી બહુ ઓછું જોઈએ છીએ.'
સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'ઉત્તર પ્રદેશ પર નજર કરીએ તો રોકાણની સ્થિતિ શું છે? તેમના ચાલુ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયા નથી. બિહાર અને આંધ્રપ્રદેશને વિશેષ યોજનાઓ સાથે જોડવામાં આવ્યા તે સારી વાત છે, પરંતુ શું ઉત્તર પ્રદેશ જેવા રાજ્ય કે જ્યાથી વડાપ્રધાન ચૂંટાઈને આવ્યા છે ત્યાં ખેડૂતો માટે બજેટમાં કંઈ છે?'
બજેટ અંગે શિવસેના (ઉદ્ધવ જૂથ) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે આ બજેટને 'પ્રધાનમંત્રી સરકાર બચાવો યોજના' કહેવું જોઈએ. કારણ કે તે સમજી ગયા છે કે જો તેઓ આ સરકારને આગામી 5 વર્ષ માટે બચાવવા માંગતા હોય તો તેમની જરૂર પડશે. કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્રની અવગણના કરવામાં આવી રહી છે.'
અપક્ષ સાંસદ પપ્પુ યાદવે જણાવ્યું હતું કે, 'હવે તેઓ 4 કરોડ નોકરીઓની વાત કરી રહ્યા છે. પરંતુ તમે 10 વર્ષમાં કેટલી નોકરીઓ આપી? નીતિશ કુમાર કિંગમેકર રહ્યા છે. પરંતુ તેમને ખાસ પેકેજ પણ આપવામાં આવ્યું ન હતું, બંધ કારખાનાઓને કંઈક આપો, એરપોર્ટને કંઈક આપો.'
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology