જનતા દળ (યુનાઈટેડ)એ ભાજપ સમર્થિત એનડીએ સરકારને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનું વચન યાદ અપાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, ગૃહમાં ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલા તમામ પક્ષોની બેઠકમાં એનડીએના મુખ્ય સભ્ય JD(U)એ બિહારને વિશેષ શ્રેણીનો દરજ્જો આપવાની કેન્દ્ર પાસે માંગ કરી હતી.
ચોમાસું સત્રના પ્રથમ દિવસે લોકસભામાં રાજ્ય નાણાં મંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપ્યો હતો કે, 2012માં આંતર-મંત્રીઓના જૂથ દ્વારા બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની મંજૂરી માટે રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં તેના માટે જરૂરી પરિબળો પુરવાર ન થતાં મંજૂરી આપી શકાય તેમ નથી. અગાઉ ભૂતકાળમાં જરૂરી ચોક્કસ ભલામણોના આધારે અમુક રાજ્યોને અલગ તારવી એનડીસી દ્વારા વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જેમાં અમુક લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેવામાં આવે છે.
ડુંગરાળ અને મુશ્કેલ ભૂ-પ્રદેશ, ઓછી વસ્તીની ગીચતા અથવા આદિવાસી વસ્તીનો નોંધપાત્ર હિસ્સો, પડોશી દેશો સાથેની સરહદો સાથે વ્યૂહાત્મક સ્થાન, આર્થિક અને માળખાકીય પછાતતા અને રાજ્યના નાણાંની બિન-સધ્ધર પ્રકૃતિ વગેરે.. દર્શાવેલ તમામ પરિબળો અને રાજ્યની વિચિત્ર પરિસ્થિતિના આધારે વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે.
પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે આંતર-મંત્રીઓના જૂથ દ્વારા 30 માર્ચ, 2012ના રોજ રજૂ કરવામાં આવેલો રિપોર્ટ એનડીસીના માપદંડોને અનુરૂપ નથી. તેથી તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો ન હતો.
લોકસભામાં સરકારના આ નિવેદન અંગે જેડીયુના સૂત્રોએ જણાવ્યું હતું કે, પક્ષ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા પ્રત્યે પ્રતિબદ્ધ છે. જો કોઈ ટેક્નિકલ સમસ્યા આવી રહી હોય તો સરકારે બિહારના વિકાસ માટે ખાસ પેકેજ આપવુ જોઈએ. અમે સ્પષ્ટ જણાવીએ છીએ કે, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાના વચને જ આ ગઠબંધન કરવામાં આવ્યું હતું. 21 જુલાઈએ યોજાયેલી તમામ પક્ષોની બેઠકમાં લોક જનશક્તિ પક્ષ અને રાષ્ટ્રીય જનતા દળે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી હતી. આ જ પ્રકારની માગ બીજુ જનતા દળ અને વાયએસઆર કોંગ્રેસ પક્ષ દ્વારા ઓડિશા અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યો માટે પણ થઈ હતી.
જો રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તો તેને નાણાકીય સહાયતા, ટેક્સમાં રાહતો, સહિત અન્ય ઘણા લાભો કેન્દ્ર સરકાર તરફથી મળે છે. વિશેષ રાજ્યનો દરજ્જો આર્થિક રીતે પછાત, જિઓગ્રાફિકલ પડકારો અને સામાજિક-આર્થિક નુકસાન જેવા પરિબળોના પગલે જ રાજ્યની ઉન્નતિ માટે આપવામાં આવે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology