જમ્મુ-કાશ્મીરમાં ફરી સેના પર હુમલો થયો છે. જમ્મુના કઠુઆના બિલાવરના ધડનોતા વિસ્તારમાં આજે (8 જુલાઈ)એ સેનાના વાહન પર આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ કર્યું છે, જેમાં બે જવાનો ઘાયલ થયા છે. આતંકવાદીઓ સેનાનું વાહન ઉડાવવા માટે ગ્રેનેડ ફેંક્યો હતો અને ત્યારબાદ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓએ મરાડ ગામ પાસે પહોંચેલા સેનાના વાહન પર હુમલો કર્યો હતો.
સેનાએ વિસ્તારને ઘેરી આતંકીઓની શોધખોળ શરૂ કરી
મળતા અહેવાલો મુજબ, જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો, ત્યારે સેનાની ટીમ કઠુઆ જિલ્લાના મછેલી વિસ્તાર સ્થિત ધડનોતા ગામ પાસે રાબેતા મુજબ પેટ્રોલિંગ કરી રહી હતી. સેનાએ પણ જવાબી કાર્યવાહીમાં આખા વિસ્તારને ખેરી લઈ આતંકવાદીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.
સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે, ‘ભારતીય સેનાની 9મી કોર્પ્સના વિસ્તારમાં કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓએ ફાયરિંગ કર્યા બાદ જવાનોએ પણ જડબાતોડ કાર્યવાહી કરી છે. આ સાથે ઘટના સ્થળે વધારાનો સુરક્ષા કાફલો પણ મોકલાયો છે. બીજીતરફ સૂત્રોના જણાવ્યા મુજબ ઘટનામાં બેથી ત્રણ આતંકવાદીઓનો હાથ હોવાનું સામે આવ્યું છે.
આ અગાઉ 24 કલાક પહેલા જ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેનાએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં છ આતંકીઓને ઠાર કર્યા હતા. શનિવારે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક પેરા-ટ્રૂપર સહિત બે જવાન શહીદ થયા હતા, જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયા હતા. પ્રથમ ઘટના મોદરગામ ગામમાં બની હતી, જ્યાં આતંકવાદીઓ હોવાની સૂચના મળ્યા બાદ સીઆરપીએફ, આર્મી અને સ્થાનિક પોલીસના સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યાં આતંકીઓએ ગોળીબાર કરતાં એક પેરા-ટ્રોપર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે બીજી ઘટના કુલગામના ફ્રિસલ વિસ્તારમાં થઈ હતી, જ્યાં એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ ઠાર કરાયા હતા. આ અથડામણમાં એક જવાન શહીદ અને એક ઘાયલ થયો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology