bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પત્નીને બહેન સામે ચૂંટણી લડાવી, તે મારી ભૂલ હતીઃ અજિત પવારનું નિવેદન, સુપ્રિયા સૂલેએ પણ આપી પ્રતિક્રિયા...  

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે મંગળવારે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં પત્નીને બહેન સામે ચૂંટણી લડાવી તે મારી ભૂલ હતી. મારે આવું નહોતું કરવું જોઈએ. હું મારી બધી બહેનોને પ્રેમ કરું છું. તમને જણાવી દઈએ કે, બારામતી લોકસભા મતવિસ્તારથી સુપ્રિયા સુલે સામે અજિત પવારના પત્ની સુનેત્રા પવારે ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં સુપ્રિયા સૂલેને જીત મળી હતી. 

  • શું બોલ્યા અજિત પવાર

મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. આ વચ્ચે અજિત પવાર રાજ્યવ્યાપી 'જન સમ્માન યાત્રા' પર નીકળ્યા છે. આ દરમિયાન પવારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, રાજનીતિને ઘરની અંદર ન આવવા દેવી જોઈએ. હું મારી બધી બહેનોને પ્રેમ કરું છું. મેં મારી બહેન સામે મારી પત્ની સુનેત્રાને ચૂંટણી મેદાનમાં ઉતારીને ભૂલ કરી હતી. મારે આવું નહોતું કરવું જોઈએ. પરંતુ (NCP ના) સંસદીય બોર્ડે આ નિર્ણય લીધો હતો. પરંતુ હવે મને લાગે છે કે, આ ખોટો નિર્ણય હતો. 

  • સુપ્રિયા સૂલેએ આપી પ્રતિક્રિયા 

હવે અજિત પવારના આ નિવેદન પર વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. શરદ પવાર દીકરી અને અજિત પવારની બહેન સુપ્રિયા સૂલેએ આ નિવેદન પર કહ્યું કે, મને આ અંગે હજું કોઈ જાણકારી નથી મળી. મેં ટીવી નથી જોઈ. બીજી તરફ કોંગ્રેસ નેતા માનિકરાવે કહ્યું કે, ધીમે-ધીમે અજિત પવારને પોતાની તમામ ભૂલો સમજાશે. 

  • બારામતીમાં નણંદ-ભાભીની થઈ હતી ટક્કર

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં બારામતી બેઠક ઘણી ચર્ચામાં રહી હતી. જોકે આ બેઠક પર આમ તો લાંબા સમયથી શરદ પવારનો કબજો છે. પરંતુ અજિત પવારના બળવા અને પછી સુપ્રિયા સુલે સામે સુનેત્રા પવારને ટિકિટ આપવાના કારણે આ બેઠક ખૂબ ચર્ચામાં રહી હતી. જો કે આ ચૂંટણીમાં શરદ પવારની દીકરી સુપ્રિયા સુલેને જીત મળી હતી.