bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાત સહિત આ 23 રાજ્યોના 125 જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ, આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમીની શક્યતા....

આ ઉનાળામાં તાપમાનનો પારો તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. અનેક રાજ્યોમાં હીટવેવ શરૂ થઇ ગઇ છે, દેશના મોટાભાગના વિસ્તારો હાલ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે 14 થી 10 એપ્રીલ વચ્ચે આંકડા જાહેર કર્યા હતા, જે મુજબ દેશના 125 જિલ્લાઓ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે આ આંકડો માત્ર 33 હતો, એટલે કે દુષ્કાળનો સામનો કરી રહેલા જિલ્લાઓમાં આ ઉનાળામાં અગાઉના ઉનાળાની સરખામણીએ 279 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

આશરે 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 125 જિલ્લા સુધી દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ આ આંકડા જોવા મળી રહ્યા  છે જેથી આગામી દિવસોમાં કફોડી સ્થિતિનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. જે રાજ્યોના જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ છે તેમાં ગુજરાત, આંધ્ર, અરુણાચલ, હરિયાણા, હિમાચલ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, તામિલનાડુના વધુ જિલ્લાઓનો સમાવેશ થાય છે. એટલે કે ગુજરાત સહિતના આ રાજ્યોમાં અન્ય રાજ્યો કરતા સ્થિતિ વધુ કફોડી માનવામાં આવે છે. 

આ રાજ્યોમાં અનેક જિલ્લાઓમાં ડ્રાઇથી લઇને અત્યંત ડ્રાઇની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સીનિયર આઇએમડી વૈજ્ઞાાનિક રાજીવ ચટ્ટોપાધ્યાયે જણાવ્યું હતું કે આ જિલ્લાઓને ડ્રાઇ એટલે કે સુખા જિલ્લાઓની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જેની એસપીઇઆઇ વેલ્યૂ-૧ થી ઓછી છે. એસપીઇઆઇ દ્વારા પાણીની માંગ પર વધી રહેલા તાપમાનની અસર માપવામાં આવે છે. જે જિલ્લાઓમાં એસપીઇઆઇ વેલ્યૂ-૧થી પણ ઓછી છે ત્યાં ઓછા વરસાદને કારણે દુષ્કાળની સ્થિતિ પેદા થઇ શકે છે. બીજી તરફ હવામાન વિભાગે આઠ રાજ્યોમાં પાંચ દિવસ માટે હીટ વેવની આગાહી કરી છે. જેમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ગુજરાત, મધ્ય પ્રદેશ, આંધ્ર, તેલંગણા, તમિલનાડુનો પણ સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન પૂર્વ ભારતમાં ગંભીર હીટવેવની શક્યતાઓ છે. પશ્ચિમ બંગાળે પણ ૨૨મી એપ્રીલથી શાળાઓમાં રજાઓ જાહેર કરી દીધી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.