ચીને લદ્દાખમાં ભારતની ૪,૦૬૪ કિ.મી. જમીન પચાવી પાડી છે અને આ વાત મોદી સરકાર સમગ્ર દેશથી છુપાવી રહી છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. દેશની નબળી નેતાગીરી ચીન સામે ઘૂંટણીયે પડી ગઈ છે તેવા આક્ષેપો કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો છે. વધુમાં નહેરુ-ગાંધી ખાનદાનના ગાઢ સંબંધના કારણે કોંગ્રેસ પણ ચીનનો મુદ્દો ઉઠાવવાનું ટાળી રહી હોવાનો આક્ષેપ સ્વામીએ કર્યો છે. લદ્દાખમાં પેંગોંગ સરોવર પર ચીને પુલ બાંધી દીધો હોવાના અહેવાલો આવતા સ્વામીએ મોદી સરકાર અને કોંગ્રેસને આડે હાથ લીધા હતા.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ચીને ભારતનો ૪૦૬૪ ચોરસ કિલોમીટર વિસ્તાર પચાવી પાડયો હોવાની વાત નરેન્દ્ર ેમોદી સરકાર છૂપાવી રહી હોવાનો દાવો કર્યો છે. સ્વામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ૨૯ અને ૩૦ જુલાઈએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને મોદી સરકાર પર અનેક આંચકાનજક હુમલા કર્યા હતા. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સામે આત્મસમર્પણ કરી દીધું છે. વધુમાં મોદી ચીનના સૈન્ય સામે નતમસ્તક થઈ ગયા છે. ચીને પેંગોગ સરોવર પર નવો પુલ બાંધી દીધો છે અને તેના પરથી તે ખૂબ જ ટૂંકા સમયમાં ચુશુલ એરફિલ્ડ સુધી પહોંચી શકે છે.
૮૪ વર્ષીય ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં કહ્યું હતું કે, લદ્દાખ પર ચીન દ્વારા વ્યૂહાત્મક રીતે કબજો કરી લેવાયો છે જ્યારે આપણી નબળી નેતાગીરી 'કોઈ આયા નહીં' કહીને વિલાપ કરી રહી છે. કેટલાક મીડિયા અહેવાલ મુજબ ચીને પેંગોંગ સરોવર પર નવો પુલ બનાવી દીધો છે, જે ૫૦થી ૧૦૦ કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલા આ સરોવરને પાર કરવાનો સમય કેટલાક કલાક ઘટાડી દેશે તેમ કહેવાઈ રહ્યું છે.
ભાજપ નેતાએ સવાલો કર્યા હતા કે, ચીને ભારતનો ૪૦૬૪ ચોરસ કિલોમીટરના વિસ્તાર પચાવી પાડયો એ અંગે મોદી સરકાર પોતાને માહિતી કેમ આપી રહી નથી? નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર ચીન સાથેની સોદાબાજીમાં સામેલ નથી ને? નરેન્દ્ર મોદી સરકાર મારો વિરોધ કેમ કરી રહી છે? સ્વામીએ ચીનનો મુદ્દો ઉઠાવતા કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, નહેરૂ-ગાંધી ખાનદાનના ચીન સાથે ગાઢ સંબંધો છે. તેમણે ચીન સાથે સોદાબાજી કરી છે તેથી કોંગ્રેસ આ મુદ્દે બિલકુલ ચૂપ છે પણ મોદી સરકાર પણ તેમને માહિતી આપી રહી નથી.
સ્વામીએ સવાલ કર્યો કે, ચીને ભારતની જમીન પર કબજો કર્યો તેની સાથે જોડાયેલું સત્ય જાણવાથી રોકવા માટે મોદી સરકાર સુપ્રીમ કોર્ટમાં તેમનો વિરોધ કેમ કરી રહી છે? સુબ્રમણ્યમ સ્વામીએ ૨૯ અને ૩૦ જુલાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં લખ્યું કે, લોકોને સત્ય જાણવાનો અધિકાર છે. કોંગ્રેસ પાર્ટી આ મુદ્દો ઉઠાવી રહી નથી કારણ કે ગાંધી પરિવારનો ચીન સાથે કરાર છે. શું નરેન્દ્ર મોદીએ પણ ચીન સાથે સોદાબાજી કરી છે?
ભાજપ નેતા સ્વામીએ નવેમ્બર ૨૦૨૨માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આરટીઆઈ એક્ટ હેઠળ અરજી કરીને પૂછયું હતું કે, ચીને ભારતની કેટલી જમીન પર કબજો જમાવ્યો છે ? ૨૦૧૪ પછી ભારત-ચીન સરહદે નવા બફર ઝોન અથવા 'નો મેન્સ લેન્ડ' બનાવવાને કારણે કેટલી ભારતીય 'સાર્વભૌમ જમીન ગુમાવી છે ? વર્ષ ૧૯૯૬માં ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાનું પાલન કરવા માટે પરસ્પર સંમત થયા પછી ભારતીય વિસ્તારમાં ચીની સૈન્યના આક્રમણ અને કયા કરાર હેઠળ અથવા બીજી કઈ રીતે ભારતે અક્સાઈ ચીન પ્રદેશ ચીનને સોંપ્યો હતો ? સ્વામીએ બફર ઝોનની રચનાને કારણે ભારતમાં વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યાને લગતી માહિતી પણ માંગી હતી.જોકે ગૃહ મંત્રાલયે સ્વામીને આ માહિતી આપી નથી.
સુબ્રમણ્યમ સ્વામીએ ૯ ઑક્ટોબર ૨૦૨૩ના રોજ આ માહિતી મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. ભાજપ નેતા સ્વામી ચીન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલા કરી રહ્યા છે. સ્વામીએ ગયા મહિને પીએમ મોદી પર હુમલો કરતા એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, પીએમ મોદીને જે ઈમારતોના શિલાન્યાસ પર તેમનું નામ લખેલું છે તેના માટે યાદ કરવામાં આવશે. મોહમ્મદ બિન તુઘલક અને ભારતમાં બ્રિટિશ શાસકોની જેમ તેમણે પણ દેશમાં ઈમારતો ઊભી કરી છે, જેનો ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ તેઓ ભુલાઈ ગયા છે. તે જ રીતે પીએમ મોદીને લદ્દાખમાં ચીન સામે આત્મસમર્પણ કરવા બદલ યાદ રાખવામાં આવશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology