દિલ્હી કોચિંગ સેન્ટરની ઘટના પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ થઈ છે. કોચિંગ સેન્ટરોમાં વધી રહેલા જોખમ અને સતત થઈ રહેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખી સેફ્ટી માટે ગાઈડલાઈન બનાવવા અંગે સુપ્રીમ કોર્ટે સ્વત: સંજ્ઞાન લેતા મોટો આદેશ આપ્યો છે. કોર્ટે દિલ્હીના કોચિંગ સેન્ટરને ડેથ ચેમ્બર ગણાવ્યું છે. કોર્ટે અરજદાર કોચિંગ સેન્ટર ફેડરેશન પર 1 લાખ રૂપિયાનો મસમોટો દંડ પણ ફટકાર્યો છે.
દિલ્હીના રાજિન્દર નગરમાં કોચિંગ સેન્ટરમાં UPSC વિદ્યાર્થીઓના મૃત્યુ બાદ સુપ્રીમ કોર્ટે દિલ્હીના કોચિંગ સેન્ટરોની સુરક્ષા અંગે સ્વત: સંજ્ઞાન લઈને ભારત સરકાર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, કોચિંગ સેન્ટર બાળકોના જીવન સાથે રમી રહ્યા છે. કોચિંગ ડેથ ચેમ્બર બની ગયા છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હીના ચીફ સેક્રેટરીને નોટિસ પાઠવીને પૂછ્યું કે, શું કોચિંગ સેન્ટરોમાં સેફ્ટીના નિયમો લાગુ કરવામાં આવ્યા છે? સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલને આ મામલે કોર્ટની મદદ કરવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે, અમારું માનવું છે કે, જો કોચિંગ સેન્ટર સેફ્ટી નોર્મને પૂર્ણ નથી કરી શકતા તો તેને ઓનલાઈન મોડમાં કરી દેવા જોઈએ. પરંતુ હાલમાં અમે આવું ન કરી શકીએ.
દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારવા બદલ સુપ્રીમ કોર્ટે કોચિંગ સેન્ટર ફેડરેશનના અધ્યક્ષ, સચિવ અને કોષાધ્યક્ષ પર એક-એક લાખનો દંડ ફટકાર્યો છે. દિલ્હી હાઈકોર્ટે મુખર્જી નગર કોચિંગ દુર્ઘટના બાદ જે કોચિંગ સેન્ટર પાસે ફાયર એનઓસી નથી તેને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આદેશને કોચિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
તમને જણાવી દઈએ કે, 27 જુલાઈના રોજ દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં બેઝમેન્ટમાં ચાલી રહેલા કોચિંગ સેન્ટરમાં પાણી ભરાઈ જવાના કારણે 1 વિદ્યાર્થીની અને 2 વિદ્યાર્થીના મોત થઈ ગયા હતા. ત્રણ વિદ્યાર્થીઓના મોત બાદ કેજરીવાલ સરકાર એક્શનમાં આવી ગઈ છે. AAP નેતા અને મંત્રી આતિશીએ કહ્યું કે, દિલ્હી સરકાર કોચિંગ ઈન્સ્ટીટ્યૂટને રેગ્યુલેટ કરવા માટે કાયદો લાવશે અને કોચિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર પણ સૂચનો લેવામાં આવશે.
મેયર શેલી ઓબેરોયે કહ્યું હતું કે, બેઝમેન્ટમાં ચાલતી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ સામે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજેન્દ્ર નગર, મુખર્જી નગર અને પ્રીત વિહારમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યા છે. ઘણા કોચિંગ સેન્ટરોને કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology