ઇસરોએ છ કલાકના કાઉન્ટડાઉનને અંતે અર્થ ઓબ્ઝર્વેશન સેટલાઇટ ઇઓએસ-૦૮ને લઇ જતાં સ્મોલ સેટેલાઇટ લોન્ચ વેહિકલ-એસએસએલવી-નું સફળ ઉડ્ડયન પાર પાડી મિશન સંપન્ન કર્યું હતું. સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી શુક્રવારે સવારે ૯.૧૭ વાગ્યે એસએસએલવીને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સેટેલાઇટ દ્વારા સર્વિલિયન્સ, સંભવિત આફત અને પર્યાવરણીય ઘટનાઓનું નિરીક્ષણ, આગ લાગવાની ઘટનાઓ તથા જ્વાળામુખી વિષયક મહત્વની માહિતી સમયસર મેળવી ચેતવણી આપવાની કામગીરી બજાવવામાં આવશે.
એસએસએલવીનું આ ત્રીજું ઉડ્ડયન હતું. ઓગસ્ટ ૨૦૨૨માં હાથ ધરવામાં આવેલા એસએસએલવીના પહેલાં મિશનમાં સેટેલાઇટને તેના નિશ્ચિત પ્રદક્ષિણા પથમાં મુકી ન શકતાં ઇચ્છિત પરિણામો મેળવી શકાયા નહોતાં. પરંતુ સાત ફેબુ્રઆરી ૨૦૨૩માં એલવી-ડીટુ મિશન સફળ નીવડયુ હતું. આજ રવાના કરવામાં આવેલાં એલવી ડીથ્રી મિશનને પણ સફળતા મળી હતી. આ મિશનમાં લાઇટ વેહિકલ રોકેટ દ્વારા ત્રણ મહત્વના પે લોડને અવકાશમાં લઇ જવામાં આવ્યા હતા. જેના દ્વારા અવકાશમાં વિવિધ કામગીરીઓ બજાવવામાં આવશે.
શરૂઆતમાં આ લોન્ચ પંદર ઓગસ્ટે કરવાનું નક્કી થયું હતું પણ ઇસરોએ આ લોન્ચને ૨૪ કલાક બાદ ૬૦ મિનિટની લોન્ચ વિન્ડો દરમ્યાન લોન્ચ કરવાનું નક્કી કર્યું હતું. ઉડ્ડયન બાદ દસથી બાર મિનિટમાં જ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ વેહિકલથી સફળતાપૂર્વક છૂટો પડી ગયો હતો. એ પછી સ્પેસ કિડઝ દ્વારા વિકસાવવામાંં આવેલો ૨૦૦ ગ્રામનો એસઆર-ઓ ડેમોસેટ પણ છૂટો પડતાં જ મિશનને સફળ જાહેર કરવામાં આવ્યું હતું. આ મિશનની સફળતાને પગલે ઇસરોની વેપારી પાંખ ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ નું હવે પૃથ્વીથી ૫૦૦ કિમીના અંતરે આવેલી લો અર્થ ઓર્બિટમાં ૫૦૦ કિલો સુધીના વજનના સેટેલાઇટ મુકવાના માર્કેટમાં આગમન થયું છે.
આ મિશનમાં ૧૭૫.૫ કિલોના સેટેલાઇટને અવકાશમાં લઇ જવા માટે ત્રણ તબક્કાના સોલીડ પ્રોપલ્શન સ્ટેજ અને પ્રવાહી બળતણ ધરાવતાં આખરી તબક્કા ધરાવતાં લોન્ચ વેહિકલનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇસરોના એક વિજ્ઞાાનીએ જણાવ્યું હતું કે આ એસએસએલવીમાં પીઍસએલવીની સરખામણીએ ખર્ચ ૨૦થી ૩૦ ટકા ઓછો આવે છે અને લો અર્થ ઓર્બિટમાં સેટેલાઇટ મુકવો હોય તો બે દિવસમાં જ તેનું આયોજન કરી તેને તરતો મુકી શકાય છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology