ગીર ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગરના એકમાત્ર પ્રાણી સંગ્રહાલયમાં ગણ્યાગાંઠયા પ્રાણી-પક્ષીઓ છે. તેમ છતા તેની જાળવણીના અને સાર-સંભાળના અભાવે એક પછી એક મૃત્યુના આંક વધી રહ્યા છે. જેના પગલે પ્રાણી-પક્ષી પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ રહી છે. આવી સ્થિતિમાં સામાન્યરીતે 15થી 17 વર્ષ જીવતા વાઘનું ગાંધીનગર ઇન્દ્રાડા પાર્કમાં ફક્ત પાંચ વર્ષની ઉંમરે મૃત્યું થયું છે. જે જાણીને ઘણા પ્રાણી પ્રેમીઓને આઘાત લાગ્યો છે આવી સ્થિતિમાં ગીર ફાઉન્ડેશનના સંચાલકો દ્વારા કોઇ ખુલાસા કરવામાં આવ્યા નથી જે ચોંકાવનારી બાબત છે.
ગીર ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગરના એકમાત્ર પ્રાણી સંગ્રહાલય ઇન્દ્રોડા પાર્ક ખાતે ગત વર્ષે ઓગસ્ટ માસના પ્રારંભે જ 'સુત્રા' નામના ડાલામથા સિંહનું મોત થયું હતું. ત્યાર બાદ નવેમ્બર, 2023માં વાઘનું પણ મોત આ પાર્કમાં થયું છે. આ બેંગોલ ટાઇગરની ઉંમર 19 વર્ષ થઇ હતી અને વૃધ્ધાવસ્થાને કારણે આ 'સૃષ્ટિ' નામની વાઘણનું મોત નિપજ્યું હતું. ત્યારે આ વાઘણના મોત બાદ 'ગૌતમ' નામનો વ્હાઇટ ટાઇગર ઇન્દ્રોડા પાર્કમાં એકલો પડી ગયો હતો.
જો કે, તેની ઉંમર પણ નાની હતી તેમ છતા ગઇકાલે રાત્રે એકાએક તે હાલતો ચાલતો બંધ થઇ ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. આ દરમિયાન અધિકારીઓ અને ડોક્ટરો દોડી ગયા હતા પરંતુ તે પહેલા તો આ વ્હાઇટ ટાઇગર ગૌતમે શ્વાસ છોડી દીધો હતો. ગૌતમના મોતને લઇને ઇન્દ્રોડા પાર્કના સ્થાનિક સ્ટાફ અને કેજ કિપર સહિત તમામ કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
એકાએક કોઇ પણ બિમારી કે રોગ વગર યુવાનીમાં સફેદ વાઘના મોતને લઇને અનેક તર્ક વિતર્ક પણ થઇ રહ્યા છે. તેની સાર-સંભાળ તથા જાળવણી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે પણ ગીર ફાઉન્ડેશનના અધિકારીઓ દ્વારા કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી કે વાઘનું મોત કઇ રીતે થયું છે. વાઘના મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરીને અગ્નિદાહ આપ્યો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે.
ગીર ફાઉન્ડેશન સંચાલિત ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણી પક્ષીઓના વધતા જતા મોતને પગલે પ્રાણી પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાય છે તેવી સ્થિતિ વચ્ચે તાજેતરમાં પાર્કમાં પાંચ વર્ષના સફેદ વાઘનું મોત નીપજ્યું હતું રાષ્ટ્રીય પ્રાણી હોવાને કારણે વાઘની રાષ્ટ્રીય માન સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી આ અંતિમ વિધિ વખતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology