bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ATSએ ઝડપેલ ચાર આતંકીઓની મામલે નવો ઘટસ્ફોટ...

ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન...આતંકવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવવામાં મળી મોટી સફળતા
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલ ચાર આતંકીઓ મામલે નવો ઘટસ્ફોટ થયો.ગત રોજ અમદાવાદ એરપોર્ટ પરથી ATS દ્વારા 4 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પૂછપરછ કરાતાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા.ISIS સાથે સંકળાયેલા ચારેય આરોપીઓને જો આદેશ મળી ગયો હોત તો તેઓ આત્મઘાતી હુમલો કરી શકતા હતા, પરંતુ તેમને કોઈ ટાર્ગેટ લોકેશન મળે તે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવતા તેમનું આત્મઘાતી હુમલાનું કાવતરું નિષ્ફળ બન્યું હતું.

 4 આતંકીઓ દેશમાં તબાહી મચાવવાના ઉદ્દેશ્ય સાથે  ભારત આવ્યા હતા. તેમના ટાર્ગેટ પર BJP અને RSSના મોટા નેતાઓ હતા.તેમજ યહૂદી સમાજના લોકો પણ તેમના નિશાન પર હતા. પરંતુ હવે આ આતંકીઓ ATS ના શિકંજામાં આવતાં ધીમે ધીમે તેમની પાસેથી તમામ માહિતીઓ મેળવવામાં આવી રહી છે. 

ગુજરાત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ચારેય આતંકી શ્રીલંકાના રહેવાસી છે જે પાકિસ્તાની હેન્ડલર્સના કહેવાથી કોલંબોથી હવાઈ માર્ગે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પુછપરછ માં જાણવા મળ્યું કે તેમને અબુ નામનો આતંકવાદી આદેશ આપી રહ્યો હતો. અબુએ માત્ર 3 મહિનાની અંદર આ ચારેયનો બ્રેઈન વોશ કર્યો અને હુમલો કરવા માટે ભારત પણ મોકલી દીધા તેમની પાસેથી મળી આવેલ હથિયારોમાં પાકિસ્તાનના એક વિસ્તારનું નામ મળી આવ્યું હતું જેથી આ હથિયાર પાકિસ્તાનથી આવ્યા હોય તેવા અનુમાનો તારવવામાં આવ્યા છે. તેમજ જે જગ્યા પરથી આ હથિયારો મળ્યા તે સ્થાન અમદાવાદથી માત્ર 11 કિમિ દૂર જ આવેલું છે. આતંકીઓને આ હથિયાર ક્યાંથી અને કોની પાસેથી મળી આવ્યા તે દિશામાં તાપસ શરુ કરવામાં આવી છે.

પકડાયેલ 4 આતંકીનું નામ મોહંમદ નુસરત, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન, અને મોહંમદ ફારીસ છે, જે શ્રીલંકાના રહેવાસી છે. આ આતંકી ચેન્નાઇ એરપોર્ટ થી અમદાવાદ આવ્યા હતા. ચારેય આતંકીઓની ધરપકડ બાદ જયારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા. ચેન્નાઇ અમદાવાદ આવ્યા બાદ ચારેયને ટાર્ગેટ લોકેશન પર પહોંચવાનું હતું, જ્યાં તેમને પાકિસ્તાની હેન્ડલરની મદદથી હથિયારો મળવાના હતા. ગુજરાત ATS પાસેથી મળતી માહિતી મુજબ આ ચારેયને યહૂદી ધર્મના પ્રમુખ સ્થળો પર હુમલો કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. તેમજ BJP, RSS અને મોટા હિન્દૂ નેતાઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. હેન્ડલર્સ પાસેથી આદેશ મળ્યા બાદ આ આતંકીઓ આત્મઘાતી હુમલાની ફિરાકમાં હતા. ગુજરાત ATS હાલ આ આતંકીઓની પૂછપરછ કરી રહી છે તેમને શંકા છે કે આ આતંકીઓના તાર ભારતમાં મોજુદ અમુક લોકો સાથે જોડાયેલા છે. 

  • જાણીયે સમગ્ર ઘટનાનો ક્રમ અંગે 

01. 18મી મે એ ATS ને માહિતી મળી હતી કે ISIS સાથે સંકળાયેલ 4 આતંકીઓ ભારતમાં મોટા ષડયંત્રને પાર પાડવા માટે ચેન્નાઈ થી ટ્રેઈન અથવા ફ્લાઇટ મારફતે અમદાવાદ પહોંચશે .

02. આ માહિતીના આધારે ગુજરાત ATS 18, 19 અને 20 મે એ અમદાવાદ આવનાર દરેક ફ્લાઇટની માહિતી મંગાવી. તમામ ટ્રેન અને ફ્લાઈટની યાદી તપાસતા શ્રીલંકાના 4 નાગરિકોનું ચેન્નાઈથી આવતી ફ્લાઈટમાં એક સાથે બુકિંગ હોવાનું જાણવા મળ્યું હતું. ATSએ કોલંબોથી પણ વેરિફિકેશન કર્યું હતું. 
અમદાવાદ એરપોર્ટ પર એટીએસની અલગ-અલગ ટીમો સિવિલ ડ્રેસમાં તૈનાત કરવામાં આવી હતી. 

03. 19મી મેના રોજ શ્રીલંકાથી ચેન્નાઈ પહોંચી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં એટીએસની ટીમે તેની અટકાયત કરી હતી. 

04. ગુજરાત ATS પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ પહોંચ્યા બાદ તેમને પાકિસ્તાનથી ટાર્ગેટ લોકેશન અને હથિયારો ક્યાંથી મળશે તેની માહિતી મળવાની હતી.  ATS ને તેમના ફોન માંથી એન્ક્રિપ્ટેડ ચેટ પણ મળી હતી.

05. ચારેય આતંકવાદીઓ માત્ર તમિલ બોલે છે, તેમને હિન્દી અને અંગ્રેજી બોલવામાં પણ સમસ્યા છે. આ આતંકીઓ પાસેથી 2 મોબાઈલ ફોન, શ્રીલંકા અને ભારતીય ચલણ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી ISISનો ઝંડો પણ મળી આવ્યો છે. આ આતંકી આત્મઘાતી બોમ્બ બનવા પણ તૈયાર હતા, અબુ નામના પાકિસ્તાની આતંકવાદીએ તેમને 4 લાખ રૂપિયા આપ્યા હતા. તેમના મોબાઈલ ફોનમાંથી વિવિધ ફોટા અને વીડિયો મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે તે ISISનો સભ્ય બની ગયા છે. તેના ફોનમાંથી કેટલાક લોકેશન મળી આવ્યા હતા, નાના ચિલોડાનું લોકેશન પણ અમદાવાદ નજીક હતું, જ્યાંથી હથિયારો લેવાના હતા. ગુજરાત ATSને તે સ્થળેથી હથિયારો પણ મળી આવ્યા હતા. આ હથિયારોમાં 3 લોડેડ પિસ્તોલ મળી આવી હતી જેના પર તારાનું નિશાન હતું જે પાકિસ્તાની બનાવટનું છે, 20 કારતુસ પણ મળી આવ્યા છે, કારતુસ પર FATA લખેલું છે જે પાકિસ્તાનમાં બને છે. હથિયારની સાથે ISISનો ઝંડો પણ મળ્યો હતો, આતંકવાદી કૃત્ય બાદ આ ધ્વજ ત્યાં જ રાખવાનો હતો.

  • અંતે આતંકવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવવામાં મોટી સફળતા મળી 

ISIS સાથે સંકળાયેલા ચારેય આરોપીઓને જો આદેશ મળી ગયો હોત તો તેઓ આત્મઘાતી હુમલો કરી શકતા હતા, પરંતુ તેમને કોઈ ટાર્ગેટ લોકેશન મળે તે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવતા તેમનું આત્મઘાતી હુમલાનું કાવતરું નિષ્ફળ બન્યું