bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કારગિલ વિજય દિવસ / 25 વર્ષ પહેલા શું થયું હતું? દેશના વીરોએ આવી રીતે દુશ્મનને કર્યા હતા ઘૂંટણિયે, કારગિલ વિજયની ગાથા...  

દર વર્ષે આજના દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારત માટે ખુબ જ મહત્વનો દિવસ હતો. આ દિવસને વર્ષ 1999 માં કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સૌનિકોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે.

ઉપરાંત આ દિવસે વર્ષ 1999માં કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન સામેની જીત માટે અને ઓપરેશન વિજયની સફળતાના પ્રતીકરૂપ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઓપરેશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં એવા વિસ્તારો પર ફરી કબજો મેળવી લીધો હતો, જ્યાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી. કારગિલ વિજય દિવસ સૈનિકોના બલિદાન અને તેમની વિરતાનો ઉત્સવ છે. જેને લઇ રાષ્ટ્રના તમામ લોકો ગૌરવ અનુભવે છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠે લદ્દાખના દ્રાસની મુલાકાત લેશે.

  • જાણો કારગિલ વિજય દિવસનો ઇતિહાસ

દર વર્ષે 26 જુલાઈના રોજ મનાવવામાં આવતા કારગિલ વિજય દિવસ કારગિલ યુદ્ધમાં ભારતના જીતની 25 મી વર્ષગાંઠ છે. કારગિલ વિજય દિવસનો ઈતિહાસ 1971ની શરૂઆતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સાથે જોડાયેલો છે, જેના કારણે પૂર્વ પાકિસ્તાનનું બાંગ્લાદેશ નામના સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે નિર્માણ થયું હતું. આ બાદ પણ બંને દેશોમાં નાના મોટા ઝઘડાઓ ચાલુ રહ્યા હતા. જે દરમિયાન દેશની ફરતે આવેલ પર્વત શ્રુંખલાઓ પર સૈન્ય ચોકીઓ ગોઠવીને સિયાચીન ગ્લેશિયર પર કબજો કરવાની ઘટના બની હતી. પાકિસ્તાને વર્ષ 1998માં પરમાણુ હથિયારનું પરીક્ષણ કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપે બંને દેશો વચ્ચે લાંબા સમય સુધી દુશ્મની રહી.

  • જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ તરફનો સંપર્ક તૂટ્યો

આ માટે  શાંતિ અને સ્થિરતા બનાવવા માટે અને સરદહો પર તણાવ ઉકેલવા માટે તેઓએ વર્ષ 1999 ના ફેબ્રુઆરી માસમાં લાહોર ઘોષણા પર હસ્તાક્ષર કરીને કાશ્મીર મુદ્દે દ્વિપક્ષીય શાંતિપૂર્ણ સમાધાનનું આહ્વાન કર્યું હતું. પરંતુ પાકિસ્તાની સૈનિકો અને આંતકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના ઉત્તર કારગિલ જીલ્લામાં એલઓસી ( લાઇન ઓફ કન્ટ્રોલ ) ના ભારત હદમાં ઘૂસણખોરી કરીને વધારે ઉંચાઇ પર વ્યૂહાત્મક સ્થિતિ કબજે કરી. જેના કારણે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ તરફનો સંપર્ક તૂટી જતા આ વિસ્તારોમાં અશાંતિ સર્જાઇ હતી.

  • ઓપરેશન વિજય અને કારગીલનું યુદ્ધ શરૂ થયું

મે 1999 માં ઘૂસણખોરીની જાણ થતા ભારતીય સેના દ્વારા ઓપરેશન વિજય અને કારગીલનું યુદ્ધ શરૂ થયું હતું. આ યુદ્ધ મે થી જુલાઇ સુધી કશ્મીરના કારગિલ જીલ્લા અને એલઓસી સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું. બે મહિનાથી વધારે સમય દરમિયાન ભારે ચઢાણવાળા પહાડી વિસ્તારોમાં ભયંકર યુદ્ધ થયુ હતુ. ભારતીય સેનાએ પાકિસ્તાનના ઘૂસણખોરોને બહાર કાઢવામાં સફળતા મેળવી અને ઓપરેશન વિજય દરમિયાન ટાઇગર હિલ અને અન્ય વ્યૂહાત્મક સ્થાનોને સફળતાપૂર્વક ફરીથી ભારતીય સેનાએ પોતાના હસ્તગત કરી લીધા હતા. ભારતીય સૈનિકોએ 26 જુલાઈ, 1999 ના દિવસે ત્રણ મહિનાઓના સંઘર્ષ બાદ આ જીત હાંસિલ કરી હતી. જોકે આ યુદ્ધમાં બંને દેશોના સૈનિકો ઘાયલ થયા હતા. જેમાં ભારતના આશરે 490 અધિકારી, સૈનિક અને જવાનો હતા.