નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત મુશળધાર વરસાદ અને રવિવારે નેપાળમાં કોસી બેરેજના 56 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ તરફ હવે બિહારમાં કોસી નદીમાં ઉછાળો આવ્યો છે અને ઘણા જિલ્લાઓમાં પૂરનો ભય છે. કોસી બેરેજના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા બાદ રવિવારે 3 લાખ 94 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારબાદ કોસી નદીનું જળસ્તર વધી ગયું છે અને ઘણા ગામોમાં પૂરના પાણી પહોંચી ગયા છે. જેના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે.
કોસી નદીમાં પાણીનું સ્તર વધ્યા પછી સુપૌલ, સહરસા અને મધેપુરા જેવા જિલ્લાઓમાં પૂરનું જોખમ વધી ગયું છે. બિહાર માટે મુશ્કેલી એ છે કે, આ વખતે જુલાઈ મહિનામાં જ કોસી નદીમાં પાણીનું સ્તર જબરજસ્ત વધી ગયું છે. મળતી માહિતી મુજબ છેલ્લા 44 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે જુલાઈ મહિનામાં કોસી બેરેજમાંથી અંદાજે 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સુપૌલ, સહરસા અને મધેપુરા જિલ્લામાં સ્થિતિ એવી છે કે નદીની અંદર સ્થિત સેંકડો ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. લોકો પોતાનો જીવ બચાવવા સુરક્ષિત ઊંચા સ્થળોએ પહોંચી રહ્યા છે.
કોસી નદીમાં જે રીતે જળસ્તર વધી રહ્યું છે તેને લઈને સુપૌલ, સહરસા અને મધેપુરા જિલ્લામાં વહીવટીતંત્ર લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચવા માટે સતત ચેતવણી આપી રહ્યું છે. બીજી તરફ ઉત્તર બિહારમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. નેપાળમાં સતત વરસાદ બાદ આવેલા પૂરના કારણે યુપીની મુશ્કેલીઓ પણ વધી છે. પૂર્વી ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂરના કારણે સ્થિતિ કાબૂ બહાર થઈ રહી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબી જવાનો ભય છે. બગાહામાં ખેતરોમાં કામ કરવા ગયેલા 150 ખેડૂતો પૂરમાં ફસાયા હતા. જોકે, સદનસીબે કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ખેડૂતોનો આબાદ બચાવ થયો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology