આજથી ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે, ત્યારે મહિનાની પહેલી તારીખ સામાન્ય લોકો માટે મોંઘવારીનો ડોઝ લઈને આવી છે. નવા મહિનાની શરૂઆતની સાથે જ કેટલાક નાણાકીય બદલાવો પણ થયા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી છે. આમાં ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને ફાસ્ટેગના નિયમો, HDFC બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોનો સમાવેશ થાય છે.
સરકારી ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. આજે પણ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. તેમના ભાવમાં આજથી 8.50 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા જુલાઈમાં સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો.
દેશની સૌથી મોટી બેંક HDFC બેંકે આજથી પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે. આજથી, જો તમે CRED, Cheq, MobiKwik, Freecharge જેવી થર્ડ પાર્ટી એપ્સ પર ક્રેડિટ દ્વારા ચુકવણી કરો છો, તો તમારે ટ્રાન્ઝેક્શનની રકમનો એક ટકા સર્વિસ ચાર્જ તરીકે ચૂકવવો પડશે. આ સાથે, તમારે 15,000 રૂપિયાથી વધુના ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન પર 1 ટકા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. આ સર્વિસ ચાર્જની મર્યાદા મહત્તમ 3,000 રૂપિયા હશે. EMI ટ્રાન્ઝેક્શન પર, ગ્રાહકોએ આજથી 299 રૂપિયાની ટ્રાન્ઝેક્શન ફી ચૂકવવી પડશે.
આજથી ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેવાયસી કરાવ્યાને ત્રણ વર્ષથી વધુ સમય વિતિ ગયો હોય તેવા ફાસ્ટેગ યુઝર્સ માટે 1 ઓગસ્ટથી 31 ઓક્ટોબર સુધી કેવાયસી કરાવવું જરૂરી બની ગયું છે. યુઝર્સ અને કંપનીઓ તેમના ફાસ્ટેગ એકાઉન્ટની કેવાયસી પ્રક્રિયા 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી શકે છે. ફાસ્ટેગ એકાઉન્ટની KYC પ્રક્રિયા પૂર્ણ ન થવાને કારણે તેને 1 ઓગસ્ટથી બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું છે.
જો તમે આજથી આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરશો તો તમારે દંડ ભરવો પડશે. ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈએ પૂરી થઈ ગઈ છે. હવે રિટર્ન ફાઈલ કરવા પર તમારે 1,000 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
ગૂગલ મેપ્સની સર્વિસ આજથી સસ્તી થઈ ગઈ છે. ગૂગલ મેપ્સે ભારતમાં તેના સર્વિસ ચાર્જમાં 70 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ સાથે હવે ગ્રાહકો ડોલરમાં પેમેન્ટ કરવાને બદલે રૂપિયામાં પણ પેમેન્ટ કરી શકશે.
ઓગસ્ટમાં બેંકોમાં ઘણી રજાઓ છે. આ મહિને 14 દિવસ બેંકો બંધ રહેશે. આમાં જન્માષ્ટમીથી લઈને સ્વતંત્રતા દિવસ સુધીની રજાઓનો સમાવેશ થાય છે. તેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology