bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

શેરબજાર રેકોર્ડ ટોચે ખૂલ્યા બાદ કડાકો, રોકાણકારોના રૂ. 5 લાખ કરોડ સ્વાહા  

ભારતીય શેરબજાર ગઈકાલે સર્વોચ્ચ ટોચે બંધ રહ્યા બાદ આજે ફરી ઐતિહાસિક ટોચે ખૂલ્યા હતા. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. સેન્સેક્સ 80481.36ની સર્વોચ્ચ ટોચે ખૂલ્યા બાદ 803 પોઈન્ટ તૂટ્યો હતો. સેન્સેક્સ પેકની 27 સ્ક્રિપ્સમાં વેચવાલી વધતાં ઘટાડે ટ્રેડ થઈ રહી હતી. જ્યારે મારૂતિ સુઝુકી આજે ફરી 2.95 ટકાથી વધુ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટી 24461.05ની ઓલટાઈમ હાઈ બનાવ્યા બાદ 178 પોઈન્ટ તૂટ્યો હતો. 10.34 વાગ્યે 189.10 પોઈન્ટ ઘટી 24244.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 603.40 પોઈન્ટ તૂટી 79746.94 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઈન્ડિયા VIX  ઈન્ડેક્સ 1.47 ટકા વધી 14.49 પર ટ્રેડેડ હતો. બેન્ક નિફ્ટી, ઓટો, મેટલ, પીએસયુ બેન્ક, રિયાલ્ટી, ઓઈલ અને ગેસ સેગમેન્ટના શેર્સમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. પરિણામે તેમાં 1થી 2 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. 

પ્રોફિટ બુકિંગ અર્થાત રોકાણકાર જ્યારે તેના શેરનો ભાવ તેની ખરીદ કિંમત કરતાં લક્ષિત ધોરણે વધે ત્યારે તેઓ તે શેર વેચી પ્રોફિટ કમાવે છે, જેને પ્રોફિટ બુકિંગ કહે છે. વિદેશી રોકાણકારોએ ગઈકાલે રૂ. 314.46 કરોડની ખરીદી દર્શાવી હતી. જ્યારે ડીઆઈઆઈએ પણ રૂ. 1416.46 કરોડની ખરીદી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે, માર્કેટ નિષ્ણાતોએ જૂન મહિનામાં મોંઘવારી વધવાનો સંકેત આપ્યો છે તેમજ માર્કેટના વોલ્યૂમ અનેકગણા વધતાં કરેક્શન જોવા મળવાનો અંદાજ વ્યક્ત કર્યો છે.

રોકાણકારોની મૂડી 5 લાખ કરોડ ઘટી
ગઈકાલે બીએસઈ માર્કેટ કેપ રેકોર્ડ 451.28 લાખ કરોડની સપાટી નોંધાવ્યા બાદ આજે ઘટી 10.31 વાગ્યે 446.28 લાખ કરોડ થયુ હતું. બીએસઈ ખાતે ટ્રેડેડ 3758 સ્ક્રિપ્સમાંથી 2641 શેર્સમાં કડાકો નોંધાતા રોકાણકારોની મૂડી રૂ. 5 લાખ કરોડ ઘટી છે. 208 શેર્સ 52 વીક હાઈ, 21 શેર્સ 52 વીક લો તથા 168 શેર્સમાં અપર સર્કિટ અને 224 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.

ડિસ્ક્લેમરઃ આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી.