દિલ્હીના કથિત શરાબ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રૂઝ એવન્યુ કોર્ટમાં 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પૂરા થયા બાદ EDએ તેમને કોર્ટમાં રજૂ કરતા કેટલાક ચોંકાવનારા દાવા કર્યા હતા. EDએ કોર્ટને કહ્યું કે સીએમ કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપી રહ્યા અને પ્રશ્નોના અસ્પષ્ટ જવાબો આપી રહ્યા છે. EDએ એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તપાસ અધિકારીઓએ AAPના વડા કેજરીવાલને આ કેસના આરોપી વિજય નાયર વિશે પૂછપરછ કરી તો તેમણે કહ્યું કે તેમની સાથે કોઈ સંબંધ નથી.
EDએ કોર્ટને જણાવ્યું કે આ કેસના મુખ્ય આરોપી વિજય નાયરનું નિવેદન બતાવ્યા બાદ કેજરીવાલે કહ્યું કે વિજય નાયર તેમને નહીં પરંતુ આતિશી અને સૌરભ ભારદ્વાજને જાણ કરતો હતો, વિજય નાયર તેમની સાથે બહુ ઓછી વાતચીત કરતો હતો. કોર્ટમાં ED તરફથી હાજર રહેલા એએસજી નાયરે આતિશી અને સૌરભ ભારદ્વાજનું નામ લેતા જ બંને ચોંકી ગયા હતા,ED અનુસાર, વિજય નાયરે પોતે કહ્યું છે કે તેઓ એક કેબિનેટ મંત્રીના ઘરે રહીને એક્સાઇઝ પોલિસી બનાવી રહ્યા હતા. તેઓ સીએમ કેમ્પ ઓફિસમાંથી કામ કરતા હતા, આના પર કેજરીવાલ અસ્પષ્ટ જવાબ આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમને કેમ્પ ઓફિસમાં કોણ કામ કરે છે તેની સીધી માહિતી નથી.
EDએ કોર્ટને કહ્યું કે વિજય નાયર AAP પાર્ટીના સામાન્ય સ્વયંસેવક નથી, પરંતુ સમગ્ર મીડિયા કમ્યુનિકેશન સેલના વડા છે. કેજરીવાલને વિજય નાયરની વોટ્સએપ ચેટ બતાવવામાં આવી હતી પરંતુ અરવિંદ કેજરીવાલે એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો.કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ વિક્રમ ચૌધરી અને રમેશ ગુપ્તા હાજર થયા હતા, જ્યારે એડિશનલ સોલિસિટર જનરલ (ASG) SV રાજુએ ED વતી દલીલ કરી હતી. EDએ કેજરીવાલને જેલમાં મોકલવાની રિમાન્ડ નોટમાં લખ્યું છે કે તેમની કસ્ટડી દરમિયાન અરવિંદ કેજરીવાલનો મુકાબલો અન્ય આરોપીઓ અને તેમના નિવેદનો સાથે થયો હતો પરંતુ અરવિંદ કેજરીવાલે તપાસમાં સહકાર આપ્યો ન હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology