bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

યુપીમાં 24 કલાકમાં થશે મોટા ફેરબદલ! લખનૌથી દિલ્હી સુધી તાબડતોબ બેઠકોનો દોર...

લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ખરાબ રીતે પરાજિત ભાજપ સતત સમીક્ષાના આધારે નિર્ણયો લઈ રહી છે. હવે ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પોતાના મંત્રીમંડળમાં મોટા ફેરફારો કરી શકે છે. તેમજ ભાજપ પ્રદેશ સંગઠનમાં પણ મોટા ફેરફારો થવાની સંભાવના જોવા મળી છે. આ ફેરફારો વિધાનસભા પેટા ચૂંટણી બાદ થશે. જો કે, મુખ્યમંત્રીના પદમાં કોઈ ફેરફાર થશે નહીં.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ઉત્તરપ્રદેશમાં ભાજપનો પારો ચઢેલો છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય પરોક્ષ રીતે વારંવાર જાહેરાત કરી રહ્યા છે કે, રાજ્યમાં પક્ષ અને સરકારની અંદર કશું પણ ઠીક ચાલી રહ્યું નથી. કેશવ પ્રસાદ મોર્યનુ આ નિવેદન પક્ષમાં મોટા ફેરફારોનો સંકેત આપે છે. મોર્યે સાફગોઈમાં કહ્યું હતું કે, સરકારથી મોટુ સંગઠન છે, કાર્યકરોની પીડા મારી પીડા છે. સંગઠનથી મોટુ કોઈ નથી. કાર્યકરો જ ગૌરવ છે.

  • ઉત્તરપ્રદેશની 10 બેઠકો પર પેટાચૂંટણી પહેલાં ભાજપ સક્રિય

ઉત્તરપ્રદેશની 10 બેઠકો પર પેટાચૂંટણી પહેલાં જ ભાજપ સતત મનોમંથન સાથે આગળ વધી રહ્યું છે. ભાજપને પેટાચૂંટણીમાં પણ વિપક્ષ આકરી ટક્કર આપશે તેવા સંકેતો જોવા મળ્યા છે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યના નિવેદન બાદ ઉત્તરપ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. તેમણે મંગળવારે દિલ્હીમાં ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાની મુલાકાત લીધી હતી. આ બેઠકમાં પક્ષની અંદર જૂથવાદ, લોકસભા ચૂંટણીનો ઝટકો, સંગઠનમાં સંભવિત ફેરફારો, અને સરકારની નવી તસવીર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

 

  • યોગીનો ચહેરો જળવાઈ રહેશે

વિધાનસભા પેટાચૂંટણી બાદ યુપી ભાજપ સંગઠનમાં ફેરફાર કરી શકે છે અને મુખ્યમંત્રી યોગી પણ સરકારમાં ફેરફાર કરી શકે છે. ભાજપનો પ્રયાસ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સરકાર સામે અવાજ ઉઠાવનારા અવાજોને સરકાર અને સંગઠનમાં સન્માનજનક સ્થાન આપીને શાંત કરવાનો છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર ટોચનું નેતૃત્વ મુખ્યમંત્રી પદમાં કોઈ ફેરફાર કરવાના મૂડમાં નથી.

  • પક્ષે રણનીતિ બદલી

વાસ્તવમાં, લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી, પક્ષ તેની આગામી રણનીતિ પર કામ કરી રહી છે જેથી તે વિધાનસભા પેટાચૂંટણીમાં સારું પ્રદર્શન કરી શકે અને સંદેશ આપી શકે. બેઠક બાદ નવી દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટરથી બહાર નીકળતી વખતે કેશવ પ્રસાદ મૌર્યએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.

  • યોગી આજે મહત્ત્વની બેઠક કરશે

આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિધાનસભા પેટાચૂંટણીને લઈને એક મોટી બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી યોગી પોતાના મંત્રીઓ પાસેથી ચૂંટણી તૈયારીઓને લઈને ફીડબેક લઈ રહ્યા છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાન 5 કાલિદાસ માર્ગ પર આયોજિત આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરી રહ્યા છે. વાસ્તવમાં લોકસભા ચૂંટણીમાં સારા પરિણામ ન આવ્યા બાદ ભાજપ કોઈપણ ભોગે આ પેટાચૂંટણીમાં સારો દેખાવ કરવા માંગે છે, જેથી હાઈકમાન્ડ અને વિપક્ષને પણ એક સંદેશ આપી શકાય.