મંગળવારે (23 જુલાઈ) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરી દીધું. હવે આ મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવતા સંસદની બહારથી લઈને ગૃહમાં અંદર સુધી ભારે હોબાળો મચાવ્યો છે અને સરકાર પર આરોપ મૂક્યો છે કે મોદી સરકારને ટેકો આપીને સત્તામાં લાવનારા રાજ્યોને જ બજેટમાં પ્રાધાન્ય અપાયું અને આંધ્રપ્રદેશ તથા બિહાર જેવા રાજ્યો માટે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી. જ્યારે બીજી બાજુ અન્ય રાજ્યો માટે કોઈ વિશેષ જાહેરાતો કરવામાં આવી નથી. આ મામલે હવે વિપક્ષ જોરદાર રીતે હોબાળો મચાવી રહ્યો છે.
બજેટ અંગે સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, અમે બધા માંગ કરી રહ્યા હતા કે ખેડૂતોને MSP મળવી જોઈએ, પરંતુ ખેડૂતોને ટેકાના ભાવની જગ્યાએ મોદી સરકાર 3.0ની ગઠબંધનવાળી સરકારના ભાગીદારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું જેથી પોતાની સરકારને બચાવી શકાય. મોંઘવારી મામલે સરકાર કંઈ નક્કર પગલાં લઈ શકી નથી. ઉત્તર પ્રદેશ માટે કોઈ જાહેરાત નહીં. જ્યારે યુપીમાં તો ડબલ એન્જિનની સરકાર છે ને!
સંસદ બહાર વિપક્ષે મોટાપાયે દેખાવ કર્યા હતા. વિપક્ષના સાંસદોએ આરોપ મૂક્યો હતો કે બજેટમાં મોદી સરકાર દ્વારા ભેદભાવ કરાયો છે. આ દેખાવોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ જોડાયા હતા.
લોકસભામાં બજેટ પર બોલવા માટે કોંગ્રેસને કુલ 4 કલાકનો સમય મળ્યો છે. કુમારી શૈલજા અને શશિ થરૂર ચર્ચાની શરૂઆત કરશે. પ્રણિતી શિંદે પણ ચર્ચામાં ભાગ લેશે. કોંગ્રેસ સાંસદો સાથે ગઈકાલની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તમામ સાંસદોને બોલવાની તક મળવી જોઈએ. મેં એક વાર ભાષણ આપ્યું છે એટલે મારે બોલવાની જરૂર નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે હું ઈચ્છું છે કે પાર્ટીના તમામ સાંસદો દરેક મુદ્દા પર પોતાનો મત વ્યક્ત કરે. દરેક મુદ્દા પર માત્ર એક-બે નેતા બોલે તેવું ન થવું જોઈએ.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology