bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

મિસાઇલ નહીં, આ તો બ્રહ્માસ્ત્ર છે! હવે દુશ્મનોની ખેર નહીં, ક્ષણભરમાં જ ટાર્ગેટને ધ્વસ્ત કરી નાખશે...  

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ભારતીય સેનાના હાથ સતત મજબૂત કરી રહ્યું છે. DRDO પોતાના નવા-નવા સંશોધનથી દુશ્મન છાવણીમાં ડર પેદા કરી રહ્યું છે. સંગઠને આવી જ એક એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ બનાવી છે, જેની ગર્જનાથી દુશ્મનોનો પરસેવો છૂટી જશે.

DRDO એ તાજેતરમાં રાજસ્થાનના જેસલમેરમાં ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે ભારતીય બનાવટની મેન-પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ (MP-ATGM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ દુશ્મનની ટેન્ક અને બખ્તરબંધ વાહનોના ચીથરા ઉડાડી શકે છે.

મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ ભારતીય સેનાના પાયદળ અને પેરાટ્રૂપર્સ (વિશેષ દળો) માટે છે. તે ઇજેક્શન મોટરનો ઉપયોગ કરીને કેનિસ્ટરથી લોન્ચ કરવામાં આવે છે. તે લક્ષ્ય પર નિશાન સાધવા માટે અત્યાધુનિક IIR સીકરનો ઉપયોગ કરે છે. જેસલમેર ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં મેન-પોર્ટેબલ મિસાઇલને એક ટ્રાઇપોડનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવી.

મિસાઈલ 15 કિલો કરતા ઓછા વજનના લોન્ચિંગ સાથે મહત્તમ 2.5 કિલોમીટરની રેન્જ ધરાવે છે. ભવિષ્યમાં તેને મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુનમાં પણ તૈનાત કરવામાં આવશે. પોખરણ ટેસ્ટમાં, MPATGM એ સંપૂર્ણ ચોકસાઈ સાથે ટાર્ગેટ પર નિશાન લગાવ્યું. આ સ્વદેશી એન્ટિ-ટેન્ક મિસાઇલ ટેન્ડમ હાઇ એક્સપ્લોઝિવ એન્ટિ-ટેન્ક (HEAT) હથિયારથી સજ્જ છે, જે અત્યાધુનિક એક્સપ્લોઝિવ રિએક્ટિવ આર્મર (ERA) બખ્તર સાથે બખ્તરબંધ વાહનોના ચીથરા ઉડાડી શકે છે. મતલબ કે આજના સમયની કોઈપણ ટેંક કે બખ્તરબંધ વાહન આમાંથી બચી શકશે નહીં.

આ માટે ઘણા ટ્રાયલ થઈ ચુક્યા છે. તેનું વજન 14.50 કિલો છે. લંબાઈ 4.3 ફૂટ છે. તેને ફાયર કરવા માટે બે લોકોની જરૂર પડે છે. તેની રેન્જ 200 મીટરથી 2.50 કિમી સુધીની છે. ટેન્ડમ ચાર્જ હીટ અને પેનિટ્રેશન વોરહેડ્સ તેમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. સેનામાં સામેલ થયા બાદ ફ્રાન્સમાં બનેલા મિલન-2ટી અને રશિયામાં બનેલી કોન્કર્સ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલના જૂના વર્ઝનને હટાવી દેવામાં આવશે.