નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે મોદી 3.0નું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ દરમિયાન તમામ લોકોની નજર રેલવે માટે થનારી જાહેરાત પર હતી. જોકે, બજેટ દરમિયાન માત્ર એક વાર જ રેલવે શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ બજેટ પૂર્ણ થયા બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરોડો રેલ યાત્રીઓ માટે ગૂડ ન્યૂઝ આપ્યા છે. રેલવે મંત્રીએ મિડલ ક્લાસ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ખુશખબર આપતા જણાવ્યું કે, રેલવે હજું અઢી હજાર નોન-એસી કોચ બનાવી રહ્યું છે અને આગામી ત્રણ વર્ષમાં 10 હજાર વધુ એક્સ્ટ્રા નોન એસી કોચ બની જશે. રેલવેનો ઉદ્દેશ્ય એ છે કે, ઓછી આવક વાળા પરિવાર અને મિડલ ક્લાસ પોસાય તેટલી કિંમતમાં સુરક્ષિત યાત્રા કરી શકે. ટ્રેનો હજારો કિ.મીની યાત્રા માટે લગભગ 450 રૂપિયાના ખર્ચે વિશ્વ સ્તરીય સુવિધાઓ આપી રહી છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વર્ષ 2014 પહેલા રેલવે માટે મૂડી ખર્ચનું રોકાણ લગભગ રૂ. 35,000 કરોડ હતું. આજે તે 2.62 લાખ કરોડ રૂપિયા છે. આ રેલવે માટે રેકોર્ડ મૂડી ખર્ચ છે. હું રેલવેમાં આ પ્રકારના રોકાણ માટે વડાપ્રધાન અને નાણામંત્રીનો આભાર માનું છું. જો આપણે 2014 પહેલાના 60 વર્ષો પર નજર કરીએ તો નવી ટ્રેનોની જાહેરાત એ સુનિશ્ચિત કર્યા વિના કરવામાં આવતી હતી કે, રેલવેના પાટામાં ક્ષમતા છે કે નહી. તદ્દન લોકપ્રિય ઉપાય કરવામાં આવ્યા જેનો રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ સાથે કોઈ સબંદ નહોતો. છેલ્લા 10 વર્ષમાં વડાપ્રધાને એ સુનિશ્ચિત કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે પાયો બરાબર તૈયાર થાય.
ભારતીય રેલવેએ છેલ્લા કેટલાક વર્ષોમાં વંદે ભારત ટ્રેનો પર વધુ ફોકસ કર્યું છે. ભારતીય રેલવે દ્વારા એક પછી એક નવી વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. આ મુદ્દે જ્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પૂછવામાં આવ્યું કે શું ભારતીય રેલ્વેનું ફોકસ માત્ર વંદે ભારત અને ફ્લેગશિપ ટ્રેનો પર રહેશે અને ગરીબો માટેની ટ્રેનો પર નહીં રહેશે? તો આ સવાલના જવાબમાં રેલવે મંત્રીએ કહ્યું કે અમારી પાસે મોટી ઓછી આવક ધરાવતું જૂથ છે અને અમે તે જૂથને સંબોધિત કરી રહ્યા છીએ. બીજી તરફ એક આકાંક્ષી વર્ગ છે જે આગળ આવી રહ્યો છે. આ આકાંક્ષી વર્ગને પણ સંબોધિત કરવાની જરૂર છે, તેથી અમે આ બંને વર્ગને સંબોધિત કરી રહ્યા છે. હાલમાં વધુને વધુ લોકો નોન-એસી યાત્રાની સેવાની માગ કરી રહ્યા છે. તેથી ભારતીય રેલવેએ એક ખાસ અભિયાન ચલાવ્યું છે. અમે 2500 નોન-એસી કોચ બનાવી રહ્યા છીએ. આગામી 3 વર્ષમાં અમે નિયમિત ઉત્પાદન કાર્યક્રમ ઉપરાંત વધારાના 10,000 નોન-એસી કોચ બનાવીશું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology