bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સોનાએ ઐતિહાસિક સપાટી કૂદાવી, ચાંદી પણ ચમકી, રોકાણકારોને ફાયદો

 


વૈશ્વિક સ્તરે સોના-ચાંદીમાં આજે ફરી રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે. સ્પોટ સોનુ 2412.90 ડોલર પ્રતિ ઔંશની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું છે. જ્યારે સ્પોટ ચાંદીએ પણ 29.03 ડોલર પ્રતિ ઔંશની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. સ્થાનિક સ્તરે એમસીએક્સ ખાતે પણ કોમોડિટી માર્કેટ ખૂલતાંની થોડી જ ક્ષણોમાં સોનાની કિંમત 10 ગ્રામ દીઠ રૂ. 72678 અને ચાંદી કિગ્રા દીઠ રૂ. 84102ની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી.

એકબાજુ અમેરિકાના ફુગાવાના આંકડા અપેક્ષા કરતાં વધુ નોંધાતા રેટ કટની શક્યતાઓ ઘટી હતી. જો કે, ગઈકાલે અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ડેટા અપેક્ષા કરતાં સુધારા તરફી રહેતાં ફેડ દ્વારા આ વર્ષે રેટમાં ઘટાડો થવાનો સંકેત મળ્યો છે. લેબર ડિપાર્ટમેન્ટ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ અર્થશાસ્ત્રીઓની 0.3 ટકા વૃદ્ધિની અપેક્ષા સામે માર્ચમાં 0.2 ટકા વધ્યો હતો. બીજી બાજુ વૈશ્વિક સ્તરે વધતી જિયો-પોલિટિકલ ક્રાઈસિસના કારણે રોકાણકારો સેફ હેવન તરફ રોકાણ વધારી રહ્યા છે.

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે રાજકીય તણાવના પગલે ક્રૂડ 90 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ગયુ છે. નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ મધ્ય-પૂર્વીયમાં વધી રહેલા તણાવ અને ઓપેક દ્વારા જૂન સુધી ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન કરવાના નિર્ણયના પગલે ક્રૂડમાં તેજી જારી રહી શકે છે.

સોના-ચાંદીના ભાવ 2024માં નવી રેકોર્ડ ટોચ સાથે 30 ટકા સુધી વધી શકે છે. ટૂંકાગાળા માટે પ્રોફિટ બુકિંગ રિટર્ન પર અસર કરી શકે છે. પરંતુ ઓવરઓલ આઉટલૂક 2024માં પોઝિટીવ જોવા મળી રહ્યો છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ અને વ્યાજદરોમાં ઘટાડો ઉપરાંત સેન્ટ્રલ બેન્કો દ્વારા ગોલ્ડ રિઝર્વની વધતી ખરીદી કિંમતી ધાતુની તેજીને વેગ આપી રહ્યો છે.