કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાના વિરોધમાં કોલકાતામાં રેસિડેન્ટ ડૉક્ટરોના સંગઠન એફઓઆરડીએએ સોમવારે સમગ્ર દેશમાં હડતાળની જાહેરાત કરી છે. તેમણે બધા રાજ્યોની સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ ડૉક્ટર્સને આ હડતાળમાં જોડાવા વિનંતી કરી છે. બીજીબાજુ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ જવાબદાર લોકોની ધરપકડ કરવા અને તેમની માગો પૂરા કરવા માટે ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
આરજી કર મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર પણ પીડિતા માટે ન્યાયની માગણી કરતા સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હોસ્પિટલમાં કામકાજ બંધ છે. જુનિયર ડૉક્ટરોનું કહેવું છે કે પોલીસે માત્ર એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે આ જધન્ય કાંડમાં અનેક અન્ય લોકો પણ સંડોવાયેલા છે. તેમનો દાવો છે કે આરોપી સંજય રૉયની ધરપકડ પાછળ કોઈ મોટી વાતને ઈરાદાપૂર્વક છુપાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. હજુ સુધી ઘટનાસ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ જોવા દેવાયા નથી. જ્યાં સુધી તેમની માગણી પૂરી ના થાય ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાં કામ બંધ રાખશે.
આ ભયાનક કાંડ પછી આરજી કર મેડિકલ કોલેજના સુપરીન્ટેન્ડેન્ટ ડૉક્ટર સંજય વશિષ્ટને સ્વાસ્થ્ય વિભાગે હટાવવાનો આદેશ આપ્યો છે. તેઓ લાંબા સમયથી ત્યાંના પ્રભારી હતા. તેમની જગ્યાએ હોસ્પિટલના ડીન બુલબુલ મુખોપાધ્યાયને જવાબદારી સોંપવામાં આવી છે.
શુક્રવારે લેડી ડૉક્ટરનું શબ મળી આવ્યા પછીથી જ સુપરિન્ટેન્ડેન્ટને હટાવવાની માગ થઈ રહી હતી, પરંતુ ૪૮ કલાક પછી સ્વાસ્થ્ય વિભાગે તેમને હટાવવાનો આદેશ આપ્યો હતો.
બીજીબાજુ આઈએમએએ રેસિડેન્ટ મહિલા ડૉક્ટરના કથિત બળાત્કાર અને હત્યાના કેસમાં તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે. તેમણે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા અને દોષિતોને સજા કરવા માગ કરી છે. આ સિવાય ઘટનાના કારણોની પણ તપાસની માગણી કરાઈ છે તેમજ ડૉક્ટરોની સુરક્ષામાં સુધારા માટે પણ તાત્કાલિક પગલાં લેવા પણ જણાવ્યું છે. સાથે જ આઈએમએએ ચેતવણી આપી છે કે ૪૮ કલાકની અંદર પગલાં લેવામાં નહીં આવે તો દેશભરમાં હડતાળ પાડવામાં આવશે. પીડિતાના પિતાએ પણ પુત્રીની સ્થિતિ જોઈને કહ્યું છે કે તેમણે પુત્રીનું શબ જોયું તો તેના ચશ્મા તૂટેલા હતા અને તેના ચહેરા પરથી લોહી ટપકી રહ્યું હતું. મારાથી તેની હાલત જોઈ શકાઈ નહીં. પહેલા તો હોસ્પિટલ મેનેજમેન્ટે સત્યને સંપૂર્ણપણે દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. મેનેજમેન્ટે કહ્યું હતું કે, તેમની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે.
કોલકાતા પોલીસે શનિવારે મહિલા ડૉક્ટર પર બળાત્કાર-હત્યા બદલ એક આરોપી સંજય રોયની ધરપકડ કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરતા ૧૪ દિવસની પોલીસ અટકાયતમાં મોકલી દેવાયો હતો. આરોપી હવે ૨૩ ઑગસ્ટ સુધી પોલીસની કસ્ટડીમાં રહેશે, જ્યાં આ કેસ અંગે તેની પૂછપરછ કરાશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology