અમેરિકાના પ્રમુખપદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે વિસ્ફોટક દાવો કરતા જણાવ્યું હતું કે હું ચૂંટાયો તો છ કરોડ ગેરકાયદે ઇમિગ્રન્ટને તગેડી મૂકીશ. માનવ ઇતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન લોકો જોશે. ટ્રમ્પે આ ઉપરાંત આફ્રિકા, એશિયા અને મઘ્યપૂર્વમાંથી અમેરિકામાં આવેલા લોકો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે અબજપતિ ઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત જણાવી હતી. જો કે આ મુદ્દે ટ્રમ્પે પણ ટીકાઓની વણઝારનો સામનો કરવો પડી રહ્યો છે.
તેની સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે હું કાયદેસરના ઇમિગ્રન્ટ્સની તરફેણ કરું છું. તેમણે આ દરમિયાન ડેમોક્રેટ્સ હરીફ કમલા હેરિસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તે થર્ડ ક્લાસ રાજકારણી છે. તે જો બાઇડેન કરતાં પણ વધારે નકામી છે અને બાઇડેનને પણ સારા કહેવડાવે તેવી છે. ટ્રમ્પે બીજો વિસ્ફોટક દાવો કરતા જણાવ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટીની અંદર જ બળવો કરીને બાઇડેનને પ્રમુખપદના ઉમેદવારપદેથી હટાવી દેવાયા છે.
કમલા હેરિસની ઉમેદવારી તે બાઇડેન સામે થયેલો આંતરિક બળવો જ છે. કમલા હેરિસને તેમને લ્યુનેટિક લેફ્ટ એટલે કે ડોબેરી વલણવાળા ગણાવ્યા હતા. જો તે ચૂંટાઈ આવશે તો અમેરિકન ઇકોનોમીનુ સત્યનાશ વાળશે. તેણે જણાવ્યું હતું કે જો અમેરિકાએ સમૃદ્ધિનો માર્ગ પસંદ કરવો હોય તો કમલા હેરિસ તેનાથી વિપરીત બાજુએ આવે છે.
તેમણે જણાવ્યું હતું કે કમલા હેરિસ સરહદ સુરક્ષાના મોરચે સદંતર નિષ્ફળ ગઈ છે. રોજ હજારો લોકો સરહદ પાર કરીને અમેરિકામાં પ્રવેશી રહ્યા છે. હેરિસ અને બાઇડેન કશું કરી રહ્યા નથી. અમેરિકામાં ફુગાવાના મોરચે છેલ્લા 40 વર્ષની સૌથી ખરાબ સ્થિતિ છે. લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે.
ટ્રમ્પે બાઇડેનની પોલિસીઓની ઝાટકણી કાઢી હતી. તેણે પુતિન, જિનપિંગ અને કિમ જોંગ ઉનના વખાણ કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે બાઇડેને રશિયાને યુદ્ધ કરવા છંછેડ્યું છે. જો તેણે યુક્રેન નાટોમાં જોડાશે તેવી વાત જ કરી ન હોત તો આ યુદ્ધ થયું જ ન હોત. હું પ્રમુખપદે આવીશ તો યુદ્ધ શાંત થઈ જશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology