bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

પાકિસ્તાનમાં પણ બાંગ્લાદેશ જેવા બળવાનો ડર! આર્મી પ્રમુખ અસીમ મુનીરે ઉચ્ચારી ચેતવણી...  

પાડોશી દેશ બાંગ્લાદેશની સ્થિતિ કોઈનાથી છુપી નથી. વિદ્યાર્થીઓના પ્રદર્શનથી શરૂ થયેલી વિરોધની આગે શેખ હસીના સરકારનો તખ્તાપલટ કરી દીધો. પાકિસ્તાનમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ થવાની શંકાઓ પર સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે આકરી ચેતવણી આપી છે. 
પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરે પાકિસ્તાનમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિઓ પેદા કરવાનો પ્રયત્ન કરનારને ચેતવતાં કહ્યું કે અમારી સેના આ પ્રકારના કોઈ પણ ષડયંત્રને સફળ થવા દેશે નહીં કેમ કે તે દેશની સુરક્ષા અને રાષ્ટ્રીય અખંડતાની રક્ષા માટે હંમેશા તૈયાર છે.

  • પાકિસ્તાન કયામત સુધી રહેશે...

સેનાની મીડિયા એકમે જનરલ મુનીરના હવાલાથી જણાવ્યું કે જો કોઈએ પાકિસ્તાનમાં આ પ્રકારની અરાજકતા પેદા કરવાનો પ્રયત્ન કર્યો તો અલ્લાહની સોગંધ અમે તેને સફળ થવા દઈશું નહીં. આ દુનિયામાં કોઈ પણ તાકાત પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શકતી નથી કેમ કે આ દેશ કયામત સુધી રહેશે. 

મુનીરે મૌલવીઓની એક કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે દેશ કેટલો મહત્વનો છે જો તમારે તે જાણવું છે તો ઈરાક, સીરિયા અને લીબિયાને જુઓ. પાકિસ્તાનની હાજરી હંમેશા રહેશે કેમ કે તેને અંતિમ સમય માટે બનાવવામાં આવ્યો છે.તેમણે દેશમાં શાંતિ અને અસ્થિરતાને બચાવવા માટે સેનાના સમર્પણના વખાણ કર્યાં. સાથે જ દેશમાં અરાજકતા ફેલાવવા માટે સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવ્યું.

  • કાશ્મીર મુદ્દે મુનીરે શું કહ્યું? 

પાકિસ્તાની આર્મી ચીફ જનરલ મુનીરે કહ્યું કે કાશ્મીર વિવાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે વણઉકેલાયેલો એજન્ડા છે. તેને ઉકેલવો જરૂરી છે પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. પાકિસ્તાન લાંબા સમયથી અફઘાન શરણાર્થીઓનું સમર્થન કરી રહ્યું છે. આ સાથે અફઘાનિસ્તાનના પાકિસ્તાનની સાથે શાંતિપૂર્ણ સંબંધોને જાળવી રાખવા પર પણ જોર આપ્યું. 

તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ તે પોસ્ટ બાદ આવ્યુ છે જેમાં પાકિસ્તાનની વર્તમાન સ્થિતિની તુલના બાંગ્લાદેશ સાથે કરવામાં આવી રહી છે. સેના પ્રમુખે દેશમાં અરાજક ઘટનાઓ માટે સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવતાં કહ્યું કે છેલ્લા અમુક વર્ષોમાં સોશિયલ મીડિયા પર સેનાની ટીકા વધુ થવા લાગી છે. તેનાથી દેશનો રાજકીય અને સામાજિક તાલમેલ બગડી રહ્યો છે. આવા પ્રયત્ન કરનાર લોકો વિરુદ્ધ ધરપકડ અને કાયદેસર કાર્યવાહી થઈ રહી છે.