રશિયામાં થયેલા આતંકી હુમલાથી સમગ્ર દુનિયા હચમચી ગઈ છે. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ સિરિયા એન્ડ ઈરાક (ISIS) એ શુક્રવારે મોસ્કોના ક્રોક્સ કોન્સર્ટ હોલમાં થયેલા ફાયરિંગ અને બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી છે. આ ભીષણ આતંકી હુમલામાં 70 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 145 લોકો ઘાયલ થયા છે. ISIS એ પોતાની ટેલિગ્રામ ચેનલ પર એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે અમારા લોકોએ રશિયાની રાજધાની મોસ્કોના બહારના વિસ્તારમાં આવેલા ક્રોક્સ કોન્સર્ટ હોલમાં હુમલો કર્યો. જો કે સમૂહે દાવાના સમર્થનમાં કોઈ પુરાવા આપ્યા નથી. ક્રોક્સ સિટી હોલનો હુમલો છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયામાં થયેલો સૌથી ઘાતક હુમલો છે અને આ એવા સમયે થયું છે જ્યારે યુક્રેન રશિયા જંગ ત્રીજા વર્ષમાં પહોંચી ગઈ છે.
આ બધા વચ્ચે રશિયન મીડિયાએ આતંકવાદીઓની તસવીરો પણ બહાર પાડી છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ મુજબ આતંકી હુમલાના પ્રત્યક્ષદર્શીઓના હવાલે જણાવવામાં આવ્યું કે હુમલાખોરો એશિયન અને કોકેશિયાઈ લોકો જેવા દેખાતા હતા તથા રશિયન નહીં પરંતુ વિદેશી ભાષામાં વાત કરતા હતા. રશિયન મીડિયાનો દાવો છે કે આતંકીઓ ઈન્ગુશેતિયાના મૂળ રહિશ છે. સૈન્ય યુનિફોર્મ પહેરીને આવેલા આતંકીઓએ ઈમારતમાં પ્રવેશ કર્યો અને ફાયરિંગ શરૂ કરી દીધુ. સામે જે પણ દેખાયા તેને ગોળીઓથી વિંધી નાખ્યા. ત્યારબાદ વિસ્ફોટ કર્યો. જેનાથી કોન્સર્ટ હોલમાં આગ લાગી ગઈ.
જ્યારે હુમલો થયો ત્યારે ક્રોક્સ સિટી હોલમાં સોવિયેત કાળના પ્રસિદ્ધ મ્યુઝિક બેન્ડ પિકનિકનું પરફોર્મન્સ ચાલુ હતું. આ મ્યુઝિક કોન્સર્ટમાં 6200થી વધુ લોકો હાજર હતા. રશિયન અધિકારીઓએ કહ્યું કે અમે આ આતંકી હુમલાની તપાસ કરી રહ્યા છીએ અને રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને સતત અપડેટ અપાઈ રહી છે. રશિયન વિદેશી મંત્રાલયે આ હુમલાને આતંકી હુમલો ગણાવ્યો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ધૃણિત અપરાધની ટીકા કરવાની અપીલ કરી છે. અત્રે જણાવવાનું કે આ આતંકી હુમલો એવા સમયે થયો છે જ્યારે રશિયામાં હાલમાં જ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ ગઈ જેમાં પુતિને ભવ્ય જીત મેળવી હતી. પુતિન સતત 5મીવાર રશિયાના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાળ સંભાળવા જઈ રહ્યા છે બીજી બાજુ છેલ્લા બે વર્ષથી યુક્રેન સાથે યુદ્ધ પણ ચાલુ છે.
મોસ્કો પાસે કોન્સર્ટ હોલમાં થયેલા આતંકી હુમલા પર અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન કિર્બીએ કહ્યું કે આ અંગે વધુ કહી શકાય નહીં. અમે વધુ જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. તસ્વીરો ખુબ ભયાનક અને તેને જોવું કપરું છે. અમારી સંવેદનાઓ આ ભયાનક હુમલાના પીડિતો સાથે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology