અનામત હટાવવાની માંગ સાથે શરૂ હિંસક આંદોલનના કારણે બાંગ્લાદેશમાં હવે અત્યંત ગંભીર પરિણામ જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન સેનાના વિશેષ હેલિકોપ્ટરથી ભારત આવવા માટે રવાના થયા છે.
બાંગ્લાદેશમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આંદોલનકારીઓ હવે વડાપ્રધાનના નિવાસ સ્થાનમાં ઘૂસી ગયા છે. ઈન્ટરનેટ બંધ, કર્ફ્યૂ છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી. રસ્તા પરથી પોલીસને હટાવીને સેના તૈનાત કરી દેવામાં આવી છે.
બીજી તરફ બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર શેખ હસીના ભારત તરફ રવાના થયા તે પહેલા તેમણે વડાંપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ પીએમ હાઉસમાં દાખલ થઈ ગયા છે.
શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષાદળોને આગ્રહ કર્યો છે કે સત્તા પલટો કરવાના પ્રયાસોને રોકે. બાંગ્લાદેશના સત્તારૂઢ પક્ષ આવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટીના દિગ્ગજ નેતાઓ વચ્ચે સેનાના હેડક્વાર્ટરમાં બેઠક થઈ રહી છે.
નોંધનીય છે કે હિંસક પ્રદર્શનમાં છેલ્લા 48 કલાકમાં જ બાંગ્લાદેશમાં 100થી વધુ લોકોના મોત થયા છે. નોંધનીય છે કે આવા જ દ્રશ્યો થોડા મહિનાઓ પહેલા શ્રીલંકામાં પણ જોવા મળ્યા હતા. ત્યારે પણ હજારોની સંખ્યામાં લોકો શ્રીલંકાના રાષ્ટ્રપતિના આવાસમાં ઘૂસી ગયા હતા.
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના નામે શરૂ થયેલ આંદોલન બાદમાં હિંસક ગૃહયુદ્ધમ ફેરવાયું હતું. સૌથી પહેલા શિક્ષણમાંથી અનામત ખતમ કરવાની માંગ સાથે આંદોલન શરૂ થયું હતું. બાંગ્લાદેશમાં 1971ના સ્વતંત્રતા સેનાનીઓના વંશજોને અનામત આપવામાં આવે છે.
કોર્ટે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારીને અનામત ઘટાડી દીધું હતું. જોકે તે બાદ પણ હિંસક પ્રદર્શનકારીઓ શાંત થયા નહીં. પ્રદર્શનકારીઓએ પછી શેખ હસીનાના રાજીનામાંની માંગ સાથે આંદોલન શરૂ કર્યું હતું.
લોકોએ પોલીસ સ્ટેશનો, સત્તારૂઢ પક્ષોના કાર્યાલયો, નેતાઓ પર હુમલા કર્યા. હજારોની સંખ્યામાં વાહનો સળગાવી નાંખવામાં આવ્યા. સરકારે ફેસબુક, મેસેંજર, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર પ્રતિબંધ લગાવ્યું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology