bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ડોનાલ્ડ ટ્રમ્પને જીવનું જોખમ! એક સંદિગ્ધને પોલીસે ગોળી મારી, તો AK-47 સાથે બીજાની ધરપકડ....

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ ઘણી સતર્ક છે. સુરક્ષા કર્મચારીઓએ મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શન સેન્ટર પાસે એક શકમંદની ધરપકડ કરી છે. શંકાસ્પદ પાસેથી એક AK-47 રાઈફલ મળી આવી છે. આટલું જ નહીં આ જ વિસ્તારમાં રિપબ્લિકન રાષ્ટ્રીય સંમેલન નજીક, પોલીસે એક શંકાસ્પદને ગોળી પણ મારી હતી.

અમેરિકામાં આ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે અને આ પહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને રાષ્ટ્રપતિ જો બાયડન વિરુદ્ધ જોરદાર પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાનપેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન તેમના પર હુમલો થયો હતો અને તેમાં એક ગોળી ટ્રમ્પના કાનમાં વાગી હતી. હવે એવું લાગી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી કોઈ ટાર્ગેટ કરી રહ્યું છે.

આ મામલો અમેરિકાના મિલવૌકીનો છે અને અહીં રિપબ્લિકન પાર્ટીના સંમેલન સ્થળ નજીક પોલીસે માસ્ક પહેરેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે. રિપબ્લિકન પાર્ટીનું નેશનલ કન્વેન્શન મિલવૌકીમાં જ આયોજિત કરવામાં આવી રહ્યું છે, અહીંથી ધરપકડ કરાયેલા વ્યક્તિ વિશે જાણવા મળ્યું છે કે તેની ઉંમર 21 વર્ષની આસપાસ છે. શંકાસ્પદ પાસેથી એક AK-47 રાઈફલ મળી આવી છે.

બીજી તરફ આ જ વિસ્તારમાં રિપબ્લિકન રાષ્ટ્રીય સંમેલન નજીક પોલીસે એક શંકાસ્પદને ગોળી મારી હતી. સંમેલન સ્થળથી થોડે દૂર પાંચ સુરક્ષાકર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસે એક શકમંદને જોયો જેના હાથમાં ચાકુ હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ચેતવણી છતાં, તે વ્યક્તિ અન્ય વ્યક્તિ પર હુમલો કરવાના ઇરાદે આગળ વધી રહ્યો હતો. જે બાદ તેને ગોળી મારવામાં આવી હતી.