bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

બાંગ્લાદેશમાં નોકરીમાં અનામત પર બબાલ, હિંસામાં 39 લોકોના મોત, ભારતીયો માટે એડવાઈઝરી જાહેર...  

બાંગ્લાદેશ નોકરીઓમાં આરક્ષણ નાબૂદ કરવાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બન્યું છે. વાસ્તવમાં હાલ બાંગ્લાદેશમાં સ્થિતિ એટલી ખરાબ છે કે પોલીસ સાથેની અથડામણમાં 39 પ્રદર્શનકારીઓના મોત થયા છે. 2500થી વધુ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. લાકડીઓ, સળિયા અને પથ્થરો સાથે રસ્તાઓ પર ફરતા વિરોધીઓ બસો અને ખાનગી વાહનોને આગ ચાંપી રહ્યા છે. હાલમાં બાંગ્લાદેશમાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ ઠપ થઈ ગઈ છે. હિંસા વધતી અટકાવવા માટે સરકારે મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. શાળાઓ, કોલેજોની સાથે મદરેસાઓ પણ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે. દેશભરમાં સેનાને મોરચે તૈનાત કરવામાં આવી છે.

  • સરકારી ટેલિવિઝન ઓફિસ પર કરાયો હુમલો

મહત્વનું છે કે, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના તાજેતરમાં સરકારી રાષ્ટ્રીય ટેલિવિઝન પર દેખાયા અને રાષ્ટ્રને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે શાંતિ જાળવવાની અપીલ કરી હતી પરંતુ આ પછી પ્રદર્શનકારીઓ વધુ ગુસ્સે થઈ ગયા હતા. તેઓએ સરકારી ટેલિવિઝનની ઓફિસ પર હુમલો કર્યો અને તેને સળગાવી દીધી. જે સમયે પ્રદર્શનકારીઓએ સરકારી ટેલિવિઝનની ઓફિસને આગ લગાવી હતી તે સમયે ત્યાં ઘણા પત્રકારો સાથે લગભગ 1200 કર્મચારીઓ હાજર હતા. પોલીસ-પ્રશાસને ઘણી જહેમત બાદ તેમને કોઈક રીતે બચાવી લીધા હતા.

  • આંદોલનના કારણે બસ સેવા સંપૂર્ણપણે ઠપ

આ તરફ આંદોલનકારીઓને રોકવા માટે તોફાન વિરોધી પોલીસ રબરની ગોળીઓ અને ટીયર ગેસના શેલ છોડી રહી છે જેના કારણે ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થઈ રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સૂચના આપી છે. ઢાકા અને દેશના બાકીના ભાગો વચ્ચેની બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ઢાકાના ગાબટોલી અને સૈયદાબાદ બસ ટર્મિનલના બસ કાઉન્ટર પર હાજર કર્મચારીઓના જણાવ્યા અનુસાર બસ માલિકોએ તેમને રસ્તા પર કોઈ બસ ન ચલાવવા કહ્યું છે. ઢાકામાં કેનેડા યુનિવર્સિટીના કેમ્પસમાં પણ વિરોધીઓએ હિંસક પ્રદર્શન કર્યું હતું. આ યુનિવર્સિટીની છત પર 60 પોલીસકર્મીઓ ફસાયા હતા જેમને હેલિકોપ્ટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

  • ભારતીય હાઈ કમિશને જાહેર કરી એડવાઇઝરી

ભારતીય હાઈ કમિશને બાંગ્લાદેશમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશની તાજેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકો, ભારતીય સમુદાયના સભ્યો અને બાંગ્લાદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો જરૂરી ન હોય તો તેમણે તેના ઘરની અંદર રહેવું જોઈએ. સહાયતા માટે હાઈ કમિશને 24 કલાક સેવા સાથે કેટલાક ઈમરજન્સી સંપર્ક નંબરો પણ જાહેર કર્યા છે.