વિશ્વમાં હાલના સમયમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. એક તરફ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તો બીજી તરફ પશ્ચિમ એશિયામાં પણ ચાલી રહેલા યુદ્ધને લઈને વૈશ્વિક તણાવ સતત વધી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ ગૃહ યુદ્ધના પણ સમાચાર સામે આવી રહ્યા છે તો ક્યાંક રાજકીય ઉથલપાથલ પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે ભારતના પાડોશી દેશ મ્યાનમાર (Myanmar)માં પણ સ્થિતિ એટલી બગડી ગઈ છે કે દેશના ભાગલા થવાની ભીતિ સર્જાઈ છે.
ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં પણ છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે જે સતત વધી રહ્યો છે. હવે બળવાખોર સંગઠનો (rebel organizations)એ મ્યાનમારના મોટાભાગના ઉત્તરીય વિસ્તારમાં કબજો કરી લીધો છે. જેના પગલે દેશમાં સ્થિતિ વણસી ગઈ છે. દેશ તૂટવાની અણીએ પહોંચી ગયો છે. વર્ષ 2021માં મ્યાનમારની સેનાએ ચૂંટાયેલી સરકારને ઉથલાવીને સત્તા પર કબજો કરી લીધો હતો. જેના વિરુદ્ધ ઘણા સંગઠનોએ બળવો શરુ કર્યો હતો. મ્યાનમારમાં ચાલી રહેલા સંઘર્ષને 3 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. જો કે, જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ વિદ્રોહી સંગઠન સેના પર હાવી થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના આંકડા અનુસાર મ્યાનમારમાં સંઘર્ષને કારણે 30 લાખ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે.
દેશમાં અરાજકતા અને ભયાનક સ્થિતિને કારણે લોકો દેશ છોડી રહ્યા છે. મ્યાનમારમાં માનવતાવાદી રાહત માટે કામ કરતી સંસ્થાના યુનિયને કહ્યું છે કે શાન રાજ્ય (Shan state)માં હિંસાને કારણે એક લાખ લોકો વિસ્થાપિત થયા છે અને જૂનથી જુલાઈના મધ્ય સુધીમાં લગભગ 141 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં મ્યાનમારના વિદ્રોહી સંગઠનોએ ઓપરેશન 1027 હેઠળ મ્યાનમારની સેના પર હુમલાનો બીજો તબક્કો શરૂ કર્યો હતો. પ્રથમ તબક્કાના સંઘર્ષમાં વિદ્રોહી સંગઠનોએ શાન રાજ્યની પૂર્વ સરહદ પર વ્યૂહાત્મક રીતે કબજો કરી લીધો હતો. હવે વિદ્રોહી સંગઠનો દેશના ઉત્તરીય વિસ્તારને કબજે કરવા માટે લડી રહ્યા છે, જે મંડલય (Mandalay)થી લાશિયો (Lashio) સુધીનો લગભગ 280 કિલોમીટરનો વિસ્તાર છે. એવી આશંકા છે કે જો વિદ્રોહી સંગઠનો સફળ થશે તો મ્યાનમારમાં ભાગલા પડી શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology