bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સ્કોટલેન્ડમાં બે ભારતીય વિદ્યાર્થી ટ્રેકિંગ કરવા જતાં દુર્ઘટનાનો શિકાર, નદીમાં પડતાં ડૂબી જતાં મોત...

 

સ્કોટલેન્ડમાં 22 અને 27 વર્ષની વયના બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. મળતી માહિતી મુજબ બંને વિદ્યાર્થીઓના મોત પાણીમાં ડૂબી જવાથી થયા છે. બુધવારે સ્કોટલેન્ડના એક પ્રવાસન સ્થળ પર બે ભારતીય વિદ્યાર્થીઓ પાણીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંનેના મૃતદેહ બુધવારે રાત્રે તુમેલ વોટરફોલના લિનમાંથી  મળી આવ્યા હતા. આ ધોધ સ્કોટલેન્ડના ઉત્તર-પશ્ચિમમાં છે, જ્યાં ગેરી અને તુમેલ નદીઓ મળે છે.

માહિતી અનુસાર ચાર મિત્રો ધોધ માટે પ્રસિદ્ધ એવા લિન ઓફ ટુમેલ ટૂરિસ્ટ સ્પોટ ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા. જ્યાં તેઓ દુર્ઘટનાનો શિકાર થયા હતા. એક મૃતક 22 વર્ષનો અને બીજો 27 વર્ષનો હોવાની જાણકારી છે. ટ્રેકિંગ દરમિયાન બંનેએ અચાનક બેલેન્સ ગુમાવ્યું અને પાણીમાં પડી ગયા હતા. તેમના મૃતદેહો પણ મળી આવ્યા છે. આ અકસ્માત બુધવારે રાત્રે થયો હતો. લિન ઓફ ટુમેલ પર્થશાયરના પિટલોચરીની ઉત્તર-પશ્ચિમે આવેલ છે. અહીં ટુમેલ અને ગેરી નદીઓનું સંગમ થાય છે. આ વિસ્તાર ખડકો અને ધોધ માટે પ્રખ્યાત છે.

બંને મૃતક વિદ્યાર્થીઓ ડુંડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. બે લોકો પાણીમાં પડતાં જ અન્ય બંને મિત્રોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મૃતકો આંધ્રપ્રદેશના રહેવાસી હતા. લંડન સ્થિત ભારતીય દૂતાવાસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. 

લંડનમાં ભારતીય હાઈ કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશના બે ભારતીય વિદ્યાર્થીઓ બુધવારે સાંજે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ડૂબી ગયા હતા અને તેમના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ભારતના કોન્સ્યુલેટ જનરલ વિદ્યાર્થીઓના પરિવારના સંપર્કમાં છે અને કોન્સ્યુલર અધિકારી બ્રિટનમાં રહેતા વિદ્યાર્થીના સંબંધીને મળ્યા છે. તેમજ ડંડી યુનિવર્સિટીએ તમામ શક્ય મદદની ખાતરી આપી છે. પોસ્ટમોર્ટમ 19 એપ્રિલે થવાની અપેક્ષા છે અને તે પછી મૃતદેહોને ભારત પરત લાવવાની કામગીરી કરવામાં આવશે.